આઇસીસીએ જારી કર્યું નવું રેન્કિંગ : કોહલી 29મી સદીના સહારે 13મા ક્રમાંકે પહોંચ્યો
નવી દિલ્હી, તા. 15 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરીષદે બુધવારે નવી ટેસ્ટ રેન્કિંગ જારી કરી દીધી છે. સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને બોલીંગમાં શીર્ષ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર અક્ષર પટેલે પણ લાંબી છલાંગ મૂકી છે. વિરાટ કોહલીએ ત્રણ વર્ષના દુષ્કાળને પૂરો કરતા ઓસ્ટ્રલિયા સામે ચોથા ટેસ્ટ મેચમાં કારકિર્દીની 28મી સદી કરી હતી. કોહલી હવે સાત અંકની છલાંગ લગાડીને બેટિંગમાં 13મા ક્રમાંકે પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે રેકિંગમાં ઋષભ પંત 9મા સ્થાને અને કેપ્ટન રોહિત શર્મા 10મા સ્થાને સામેલ છે.
રવિચંદ્રન અશ્વિને ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસનને 10 અંકથી પાછળ છોડીને શીર્ષ સ્થાન જાળવી રાખ્યું છે. અશ્વિન એન્ડરસન સંયુક્ત રીતે શીર્ષ સ્થાને હતા. જો કે હવે અશ્વિન આગળ નીકળી ગયો છે અને એકલો પહેલાં સ્થાને પહોંચ્યો છે. ઓલરાઉન્ડર્સની વાત કરવામાં આવે તો રવીન્દ્ર જાડેજા યાદીમાં ટોચના સ્થાને છે. જાડેજાએ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. ભારતના ઓલરાઉન્ડર અક્ષર પટેલને પણ જોરદાર ફાયદો મળ્યો છે. અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં બે વિકેટ જ લીધી છે. તેમ છતાં બેટિંગથી કમાલ કરીને ત્રણ અર્ધસદી કરી હતી. પટેલે બેટિંગમાં આઠ અંકની છલાંગથી 44મું સ્થાન મેળવ્યું છે જ્યારે ઓલરાઉન્ડરની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે.
આઇસીસી બેટિંગ રેન્કિંગની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન પહેલા ક્રમે છે. સ્ટિવ સ્મિથ બીજા, જો રૂટ ત્રીજા, બાબર આઝમ ચોથા અને ટ્રેવિસ હેડ પાંચમા ક્રમાંકે છે. બોલરોમાં અશ્વિન ટોચના ક્રમે છે. જેમ્સ એન્ડરસન બીજા, પેટ કમિંસ ત્રીજા, કગિસો રબાડા ચોથા અને શાહીન આફરીદી પાંચમા ક્રમાંકે છે. ઓલરાઉન્ડરમાં જાડેજા નંબર વન છે. બીજા નંબરે અશ્વિન, ત્રીજા નંબરે શાકિબ અલ હસન અને ચોથા નંબરે અક્ષર પટેલ છે.