17 માર્ચે રમાશે પહેલી વન ડે : રોહિત શર્મા બીજી વન ડેમાં વાપસી કરશે
નવી દિલ્હી, તા. 15: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણી પૂરી થઈ ચૂકી છે. જેને ટીમ ઇન્ડિયાએ 2-1થી પોતાનાં નામે કરી લીધી છે. હવે વન ડે શ્રેણી રમાવાની છે. જેનો આગાઝ 17મી માર્ચથી થવા જઈ રહ્યો છે. ચાલુ વર્ષે થનારા વિશ્વકપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીને મહત્ત્વની ગણવામાં આવે છે. ત્રણ મેચની શ્રેણીમાં ભારતીય ટીમ સામે ઘણા પડકારો છે.
ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ ત્રણ વન ડે રમવાની છે. જેનો પહેલો મેચ 17મી માર્ચે મુંબઈમાં, બીજો મેચ 19મી માર્ચે વિશાખાપટ્ટનમમાં અને ત્રીજો વન ડે 22મી માર્ચના રોજ ચેન્નઈમાં રમાશે. ટીમ ઇન્ડિયાએ વન ડે મિશન માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે. આ શ્રેણી માટે કેપ્ટન રોહિત શર્મા ઉપલબ્ધ રહેશે નહીં. પારિવારિક કારણોને લઈને રોહિતે રજા લીધી છે. તેવામાં કેપ્ટનશિપ હાર્દિક પંડયાને સોંપવામાં આવી છે. જો કે બીજા અને ત્રીજા વન ડેમાં રોહિત શર્મા વાપસી કરી લેશે. ભારત જ નહીં ઓસ્ટ્રેલિયાના કેપ્ટનને પણ બદલવામાં આવ્યો છે. પેટ કમિંસના માતાનાં નિધન બાદ તે ભારત પરત આવ્યો નથી. તેવામાં સ્ટિવ સ્મિથ ટીમનું નેતૃત્વ કરશે.
બીજી તરફ શ્રેણી શરૂ થતા પહેલા જ શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયો છે. જે અમદાવાદ ટેસ્ટ પણ પૂરો રમી શક્યો નહોતો. તેની જગ્યાએ હજી સુધી રિપ્લેસમેન્ટ માટેનું એલાન કરવામાં આવ્યું નથી. ટીમ ઇન્ડિયા વન ડેમાં નંબર વન છે અને બીજા ક્રમાંકે ઓસ્ટ્રેલિયા છે. બન્ને વચ્ચે માત્ર બે જ પોઇન્ટનું અંતર છે. જો ઓસ્ટ્રેલિયા શ્રેણી કબજે કરવામાં સફળ રહેશે તો રેન્કિંગ બદલાઈ શકે છે.
બન્ને ટીમ વચ્ચે ગત વન ડે શ્રેણીને ધ્યાને લેવામાં આવે તો તેમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ હતી. આ શ્રેણી ઓસ્ટ્રેલિયામાં જ રમાઈ હતી અને ભારતે 1-2થી હારનો સામનો કર્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વન ડે રેકોર્ડ મુજબ બન્ને ટીમ વચ્ચે કુલ 143 મેચ રમાયા છે. તેમાંથી 80 ઓસ્ટ્રેલિયાએ અને 53 ભારતે જીત્યા છે. ભારતમાં રમાયેલા વન ડે મેચને ધ્યાને લેવામાં આવે તો 64 મેચમાંથી ઓસ્ટ્રેલિયાએ 30 અને ભારતે 29 મેચમાં જીત મેળવી છે.
ભારત-અૉસ્ટ્રેલિયા વચ્ચે સૌથી વધુ રન
ખેલાડી મેચ રન
સચિન તેંડુલકર 71 3077
રોહિત શર્મા 40 2208
રિકી પોન્ટિંગ 59 2164
વિરાટ કોહલી 43 2083
એમએસ ધોની 55 1660