• શનિવાર, 25 માર્ચ, 2023

ધીમી શરૂઆત છતાં ગુજરાતે દિલ્હીને આપ્યો 148નો ટાર્ગેટ   

આશિષ ભીન્ડે તરફથી 

મુંબઈ, તા. 16 : પ્લેઅૉફ્ફમાં સ્થાન પાકું કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરેલી દિલ્હી કૅપિટલ્સે ટૉસ જીતી ને ગુજરાત જાયન્ટ્સને પ્રથમ બાટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. ધીમી શરૂઆત બાદ ગુજરાતે ચાર વિકેટે 147 રન કર્યા હતા. એન્નાબેલ સધરલૅન્ડની જગ્યાએ લૉરા વોલવાર્ડ્ટને રમાડવાનો નિર્ણય ગુજરાતને ફળ્યો હતો. લૉરા વૉલ્વાર્ડ્ટના 57 અને ઍશ્લે ગાર્ડનરના એકાવન રનની મદદથી ગુજરાત સન્માનજનક સ્કૉર નોંધાવી શકી હતી. જોકે, દિલ્હીની બાલિંગ સામે તેઓ 150 રન પણ કરી શક્યા નહોતા. 

બ્રેબૉર્ન સ્ટેડિયમ પર આજે નવી પિચ પર રમાયેલી મૅચમાં પહેલી જ અૉવરમાં મારિઝાવને કાપે સૉફી ડંકલીને પહેલી જ અૉવરમાં આઉટ કરી ગુજરાતના શઢમાં પહેલું ગાબડું પાડ્યું હતું. એ પછી છ રન પ્રતિ અૉવરથી ઓછી રનરેટથી ગુજરાત આગળ વધ્યું અને હરલીન દેઓલ અને લૉરા વૉલ્વાર્ડ્ટે 49 રન જોડ્યા. 31 બૉલમાં 33 રન કરી હરલીન દસમી અૉવરમાં જૉનાસેનની બાલિંગમાં વિકેટ પાછળ કૅચ આપી બેઠી હતી. જોકે, એ પછી દાવમાં આવેલી ઍશ્લે ગાર્ડનરે 51 રનની ભાગીદારી કરતા ટીમને સલામત સ્થિતિમાં લાવી મૂકી હતી. લૉરા 45 બૉલમાં 57 રન કરી ઓગણીસમી અૉવરમાં આઉટ થઈ હતી. ગાર્ડનરે પણ 33 બૉલમાં 51 રન કર્યા હતા. આ ભાગીદારીના બળે ગુજરાત ચાર વિકેટે 147 રન કરી શકી. દિલ્હી તરફથી જાસ જોનાસને બે વિકેટ લીધી હતી. તો, પૂનમ યાદવે બે અૉવરમાં માત્ર સાત જ રન આપ્યા હતા. અરુંધતિ રેડ્ડીએ લૉરાની બૉલ્ડ કરી હતી. પૉઈન્ટ્સ ટેબલના તળિયે પહોંચેલી ગુજરાત જાયન્ટ્સ માટે સ્પર્ધામાં જીવંત રહેવા દિલ્હી સામે જીતવું અનિવાર્ય છે.