• શનિવાર, 25 માર્ચ, 2023

બૅલેન્સ, કૉમ્બિનેશન અને વિકલ્પોની શોધમાં ટીમ ઇન્ડિયા

સ્મિથના સુરમાઓ સામે ટીમ ઇન્ડિયા માટે કપરાં ચઢાણ : વાનખેડે ખાતે છેલ્લી ત્રણ વન-ડે ભારત હાર્યું છે 

આશિષ ભીન્ડે તરફથી  

મુંબઈ, તા. 16 : વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલમાં સ્થાન મેળવ્યા પછી, હવે ભારતનું લક્ષ્ય આ વર્ષના ઉત્તરાર્ધમાં ઘરઆંગણે યોજાનારા વન-ડે વર્લ્ડ કપ માટેની તૈયારી કરવા પર રહેશે. અૉસ્ટ્રેલિયા સામે બૉર્ડર-ગાવસકર ટ્રૉફીમાં 2-1થી વિજય મેળવનાર ટીમ ઇન્ડિયા ત્રણ મૅચની વન-ડે શ્રેણીના પગરણ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમથી કરવાની છે. વાનખેડે ખાતે રમાયેલી છેલ્લી ત્રણ વન-ડેમાં ભારતનો ભૂંડો પરાજય થયો છે. વળી, 2016થી ઘરઆંગણે વન-ડે શ્રેણીમાં માત્ર અૉસ્ટ્રેલિયાએ જ ભારતને નીચાજોણું કરાવ્યું છે. આમ, વિરોધી ટીમ અને સ્ટેડિયમ બંને ભારત માટે શુકનિયાળ નથી. રોહિત શર્માની જગ્યાએ ટીમનું સુકાન સ્ટાર અૉલરાઉન્ડર અને ટી-20ના નવા કર્ણધાર હાર્દિક પંડ્યાના હાથમાં છે (એક જ મૅચ માટે).  અૉલરાઉન્ડરોથી છલોછલ અૉસ્ટ્રેલિયાનો સામનો અને ટીમમાં લગભગ દરેક સ્થાન માટે કોની પસંદગી કરવી એવી મીઠી મૂંઝવણના બે પડકારો વચ્ચે હાર્દિકે શરૂઆત કરવાની રહેશે.  

ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપ પહેલા બંને ટીમોને ઘણી બધી બાબતો સુધારવાની છે. અૉસ્ટ્રેલિયા છેલ્લે ગયા વર્ષે નવેમ્બરમાં ઘરઆંગણે ઇંગ્લૅન્ડને 3-0થી રહેંસી નાખ્યું હતું. પણ એરોન ફિન્ચની નિવૃત્તિ અને ડેવિડ વૉર્નરનું નબળું ફૉર્મ અને એ પછી ઈજામાંથી બહાર આવી રહ્યો છે ત્યારે અૉપાનિંગ સ્લૉટ ચિંતાનો વિષય છે. જોકે, ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં ઉજળો દેખાવ અને એ પહેલા ઇંગ્લૅન્ડ સામેની વન-ડે શ્રેણીમાં અૉપાનિંગમાં એક અડધી સદી અને એક દોઢી સદી ફટકારી હોવાથી નવા સુકાની સ્ટિવ સ્મિથની થોડી ચિંતા ઓછી થઈ હશે. ઈજામાંથી બહાર આવેલા ગ્લૅન મૅક્સવેલ પર સૌની નજર રહેશે. ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોની કસોટી લેનાર નાથન લાયન, મૅથ્યુ કુહનમેન અને ટૉડ મર્ફી તો ઘરે જતા રહ્યા છે અને હવે ઍડમ ઝામ્પા અને ઍશ્ટન એગર પર મદાર છે. પૅટ કમિન્સ અને જૉશ હૅઝલવૂડની ગેરહાજરીમાં મિચૅલ સ્ટાર્ક પર બાલિંગનો મદાર રહેશે અને તેની સાથે નાથન એલિસ, માર્ક્સ સ્ટોઈનિસ અને સીન એબોટ જેવા અૉલરાઉન્ડર્સ છે.  

ટીમ ઇન્ડિયા માટે વર્લ્ડ કપ પહેલા ટીમ કૉમ્બિનેશન બરાબર કરવાની તક છે. વન-ડેના સુકાની તરીકે હાર્દિક પંડ્યા પહેલીવાર મેદાનમાં ઉતરશે અને રોહિતની ગેરહાજરીમાં તેની જેમ બેવડી સદી ફટકારનાર શુભમન ગિલ અને ઈશાન કિસન કદાચ આજે અૉપાનિંગમાં ઉતરશે.  માત્ર છ મૅચમાં 567 રન કરનાર ગિલે વર્લ્ડ કપના વર્ષમાં ત્રણેય ફૉર્મેટમાં સદી સાથે પોતાનો દાવો મજબૂત કર્યો છે. તો, અમદાવાદ ટેસ્ટમાં 186 રનની દમદાર ઇનિંગ્સથી ફૉર્મમાં આવેલો વિરાટ કોહલી વન-ડેમાં ટીમ ઇન્ડિયા માટે મોટો પ્લસ છે. વન-ડેમાં સૂર્યકુમાર યાદવને તકો મળી છે, પણ તે ટી-20 જેવી સ્ફોટક ફટકાબાજી કરી શક્યો નથી, પણ શ્રેયસ ઐય્યર ઈજાને કારણે બહાર હોવાથી તેનું મિડલ અૉર્ડરમાં રમવાનું લગભગ નક્કી છે. પાંચમા ક્રમે બાટિંગમાં આવનાર કે એલ રાહુલ ટીમમાં વિકેટકીપર તરીકે રમશે એવી પૂરી શક્યતા છે. ટેસ્ટ મૅચમાં તેણે પોતાનું સ્થાન ગુમાવ્યું છે, વન-ડેમાં આ સ્થાન પર 50.61ની એવરેજ સાથે 16 દાવમાં 658 (એક સદી, છ અડધી સદી) રન તેની મહત્તા વધારે છે. અૉલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના આવવાથી સ્પીનરો વચ્ચે ઈલેવનમાં જગ્યા બનાવવાની સ્પર્ધા ઓર કટ્ટર બની છે. જાડેજા સાથે કુલચા એટલે કે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલમાંથી કોઈ એકને તક મળશે કે અૉલરાઉન્ડરો વાશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલની જોડીમાંથી કોઈને લેવાય છે, એ જોવું રસપ્રદ થઈ પડશે. ઝડપી બૉલરોમાં મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ સાથે અૉલરાઉન્ડર હાર્દિક હશે. તો, ટીમ વધુ એક અૉલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને રમાડવાનું પસંદ કરશે તો બે મોહમ્મદમાંથી એકને બહાર બેસવું પડી શકે છે. એમ તો ઉમરાન મલિકની દાવેદારી પણ 

મજબૂત છે. 

વાનખેડેની પિચ પર રનનો ધોધ વહેવાની અપેક્ષા રાખી શકાય. 2015માં તો પ્રથમ બાટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ અહીં 438 રનનો ખડકલો કર્યો હતો. તો, છેલ્લે 2020માં અૉસ્ટ્રેલિયાએ રનચેઝમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 258 રન કર્યા હતા. એ પહેલા ન્યૂ ઝીલૅન્ડે પણ 280 રન ચેઝ કરી કમાલ કરી હતી. અહીંની ફ્લૅટ પિચ ફ્લડ લાઈટ ચાલુ થયા પછી અને ઝાકળ મેદાન પર છવાયા બાદ બાટિંગ માટે વધુ અનુકૂળ બની જાય છે. ભારતે છેલ્લી બે શ્રેણીની (ન્યૂ ઝીલૅન્ડ અને શ્રીલંકા સામે) બધી જ મૅચોમાં જીત મેળવી છે, તો અૉસ્ટ્રેલિયા પણ છેલ્લી છ મૅચો અને બે શ્રેણીમાં અજેય રહ્યું છે. 

બરાબરીના આ મુકાબલામાં માત્ર આ શ્રેણી નહીં બીજું ઘણું બધું દાવ પર છે.

વાનખેડેમાં છેલ્લી ત્રણ મૅચ ભારત હાર્યું છે 

2015માં દક્ષિણ આફ્રિકા, 2017માં ન્યૂ ઝીલૅન્ડ અને 2020માં અૉસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયા વાનખેડેમાં ખરાબ રીતે હાર્યું છે. 2015માં તો શ્રેણીની પાંચમી વન-ડેમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બાટિંગ કરતા ચાર વિકેટે 438નો તાતિંગ સ્કૉર ખડો કર્યો હતો. ક્વિન્ટન ડીકોકના 109 (87 બૉલ), ફાફા ડુપ્લેસીના 133 (115 બૉલ) અને એ બી ડિવિલિયર્સના 119 (માત્ર 61 બૉલમાં) રનનું યોગદાન હતું. જવાબમાં ભારતની આખી ટીમ માત્ર 224 રન કરી 36 અૉવરમાં તંબુભેગી થઈ ગઈ હતી. 

2017માં ન્યૂ ઝીલૅન્ડ સામે વિરાટ કોહલીના 121ના બળે ભારતે આઠ વિકેટે 280 રન કર્યા હતા. પણ, રોસ ટેલર અને ટૉમ લાથામે અનુક્રમે 95 અને 103 રન કરી ટીમને જીત અપાવી હતી. તો, 2020માં ભારતે અૉસ્ટ્રેલિયા સામે માત્ર 253 રન કર્યા જે વૉર્નર અને ફિન્ચની અૉપાનિંગ જોડીએ આસાનીથી હાંસલ કરી લીધા. વૉર્નર 128 અને ફિન્ચ 110 રને અણનમ રહ્યા હતા. 

·        વાનખેડેમાં ભારતનું પલડું અૉસ્ટ્રેલિયા સામે નબળું રહ્યું છે. 1996થી રમાયેલી કુલ ચાર મૅચમાંથી ભારત માત્ર એક જ વાર જીત્યું છે. 2007માં રમાયેલી મૅચમાં માંડ બે વિકેટે ઇન્ડિયા જીત્યું હતું. એ પહેલા 1996માં, 2003 અને છેલ્લે 2020માં ભારતને પરાજયનું મોઢું જોવું પડ્યું હતું. અૉવરઅૉલ અહીં ભારત 19 મૅચમાંથી 10માં જીત્યું છે. 

·        વાનખેડે પર સર્વોચ્ચ સ્કૉર શ્રીલંકાના સનથ જયસૂર્યાના નામે છે. 1997માં જયસૂર્યાએ ભારત સામે અણનમ 151 રન કર્યા હતા. તો, બાલિંગમાં મુરલી કાર્તિકે 2007માં અૉસ્ટ્રેલિયા સામે 27 રનમાં લીધેલી છ વિકેટ શ્રેષ્ઠ બાલિંગ પરફૉર્મન્સ છે.