• શનિવાર, 25 માર્ચ, 2023

મહિલા જોડી ત્રીસા અને ગાયત્રીનું શાનદાર પ્રદર્શન : રંકીરેડ્ડી-ચિરાગની જોડી પણ બહાર  

ઈંગ્લૅન્ડ બેડમિંટન ચૅમ્પિયનશિપમાંથી લક્ષ્ય સેન બહાર 

નવી દિલ્હી, તા. 17 : ત્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય મહિલા યુગલ જોડીએ શાનદાર જીત નોંધાવીને ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. જો કે લક્ષ્ય સેન પુરુષ એકલમાં હારીને ચેમ્પિયનશીપમાંથી બહાર થયો છે. કોમનવેલ્થ ગેમ્સની કાંસ્ય પદક વિજેતા ત્રીસા અને ગાયત્રીએ શાનદાર પ્રદર્શન જાળવી રાખતા યુકી ફુકુશિમા અને સાયકા હિરોટાની જોડીને રોમાંચક મુકાબલામાં 21-14, 24-22થી હરાવી હતી. હવે આ જોડી આગામી દોરમાં લી વેન મેઈ અને લિયૂ જુઆનની ચીની જોડી સામે ટકરાશે. 

ગત ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં જગ્યા બનાવનારો લક્ષ્ય સેન ડેનમાર્કના એન્ડર્સ એન્ટોનસ સામે લયમાં રહ્યો નહોતો અને 52 મિનિટમાં 13-21, 15-21થી હારી ગયો હતો. સાત્વિકસાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય પુરુષ જોડી પણ ચીનના લિયાંગ વેઈ કેંગ અને વાંગ ચાંગ સામે 21-10, 17-21, 19-21થી હારીને બહાર થઈ છે. રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી દુર્ભાગ્યશાળી રહ્યા હતા કારણ કે અંતિમ 16મા ચીની ખેલાડીઓ સામે હાર મળી હતી.