• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

અન્ડર-19 મહિલા વર્લ્ડના સુપર સિક્સમાં શ્રીલંકા સામે ભારતીય ટીમનો 7 વિકેટે આક્રમક વિજય

શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં ફક્ત 59 રન કરી શકી: ભારતે 7.2 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું

પોચેફસ્ટ્રુમ (દ. આફ્રિકા), તા. 22 : આઇસીસી અન્ડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપના સુપર સિક્સ રાઉન્ડના બીજા મેચમાં ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ 7 વિકેટે જીત મેળવીને સેમિ ફાઇનલની આશા જીવંત રાખી છે. સુપર સિકસ રાઉન્ડના પહેલા મેચમાં ભારતીય મહિલા ટીમની ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર થઈ હતી. આજના મેચમાં પહેલો દાવ લેનાર શ્રીલંકાની મહિલા ટીમ 20 ઓવરમાં 9 વિકેટે ફકત 59 રન જ કરી શકી હતી. જવાબમાં ભારતીય ટીમે 7.2 ઓવરમાં જ ત્રણ વિકેટે 60 રન કરીને 7 વિકેટે સરળ વિજય નોંધાવ્યો હતો.

ભારત તરફથી પર્શવી ચોપરાએ 4 ઓવરમાં પ રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેણી પ્લેયર ઓફ ધ મેચ જાહેર થઈ હતી. મન્નત કશ્યપને 2 વિકેટ મળી હતી. જ્યારે કપ્તાન શેફાલી વર્માએ એક છકકાથી 10 દડામાં 15 રન કર્યા હતા. ચોથા નંબર પર આવેલી સૌમ્યા તિવારે આક્રમક ઇનિંગ રમીને 15 દડામાં પ ચોક્કાથી 28 રને નોટઆઉટ રહી હતી. શ્રીલંકા તરફથી સુકાની વિશ્મી ગુણારત્નેએ સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. આ જીતથી ભારતીય યુવા મહિલા ટીમની સેમિ ફાઇનલની આશા જીવંત રહી છે.