• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

અૉસ્ટ્રેલિયન અૉપનમાં જોકોવિચ 13મી વખત ક્વાર્ટર ફાઇનલમાં

મહિલા વિભાગમાં અપસેટ કરીને પોલેન્ડની લિનેટ અંતિમ આઠમાં પહોંચી

મેલબોર્ન, તા.23 : પૂર્વ વિશ્વ નંબર વન અને 21 વખતનો ગ્રાંડસ્લેમ ચેમ્પિયન નોવાક જોકોવિચ 13મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે. ચોથા ક્રમના જોકોવિચે ચોથા રાઉન્ડના મેચમાં ઓસ્ટ્રેલિયાના લોકલ ખેલાડી અને 22મા ક્રમના એલેક્સ ડિ મિનોરને 6-2, 6-1 અને 6-2થી સજ્જડ હાર આપી હતી. 35 વર્ષીય જોકોવિચનો ઓસ્ટ્રેલિયન ઓપનમાં આ સતત 2પમો વિજય છે. તેનાથી આગળ ફક્ત અમેરિકી ખેલાડી આંદ્રે અગાસી છે. તેનાં નામે સતત 26 વિજય છે. જોકોવિચ ખિતાબનો પ્રબળ દાવેદાર છે અને ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને રાફેલ નડાલના 22 ગ્રાંડસ્લેમ ખિતાબના રેકોર્ડની બરાબરી કરી શકે છે.

પુરુષ વિભાગમાં પાંચમા ક્રમના રુસી ખેલાડી આંદ્રે રૂબવેલે પાંચ સેટની લડત બાદ ડેનમાર્કના હોલ્ગર રૂનેને 6-3, 3-6, 6-3, 4-6 અને 7-6થી હાર આપી હતી. 25 વર્ષીય રૂબવેલ બીજીવાર ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટરમાં પહોંચ્યો છે. જ્યાં તેનો સામનો જોકોવિચ સામે થશે. 

બીજી તરફ અમેરિકાના 20 વર્ષીય અમેરિકી ખેલાડી ઓસ્ટ્રેલિયન ઓપનમાં પદાર્પણ સાથે ક્વાર્ટરમાં જગ્યા બનાવી છે. તેણે ચોથા રાઉન્ડના મેચમાં હમવતન ખેલાડી જેજે વોલ્ફને 6-7, 2-6, 6-7, 7-6 6-2થી હાર આપી હતી જ્યારે અમેરિકી ખેલાડી ટોમી પોલે સ્પેનના રોબર્ટો બોટિસ્ટાને 6-2, 4-6, 6-2 અને 7-પથી હાર આપીને અંતિમ આઠમાં સ્થાન બનાવ્યું હતું.

મહિલા વિભાગમાં અપસેટનો સિલસિલો ચાલુ રહ્યો હતો. ચોથા ક્રમની ફ્રાંસની ખેલાડી કેરોલિના ગાર્સિયા 4પમા ક્રમની પોલેન્ડની ખેલાડી મેગ્ડા લિનેટ સામે ચોથા રાઉન્ડમાં 6-7 અને 4-6થી હારીને બહાર થઈ છે. લિનેટ પહેલીવાર ગ્રાંડસ્લેટમ ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે.