• ગુરુવાર, 28 માર્ચ, 2024

લખનઊ સામે મુંબઈ ઇન્ડિયન્સના 8 વિકેટે 182 રન  

કેમરૂન ગ્રીનના 41 અને સૂર્યકુમારના 33 રન : નવીન ઉલ હકની 4 વિકેટ

ચેન્નાઇ તા.24: સમયાંતરે વિકેટો પડવા છતાં અને કોઇ બેટધરની મોટી ઇનિંગ નહીં છતાં આઇપીએલના આજના એલિમિનેટર મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ 20 ઓવરના અંતે 8 વિકેટે 182 રનના મજબૂત સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. આથી લખનઉ સુપર જાયન્ટસની વિજયનું કઠિન 183 રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું. મુંબઇ તરફથી સૌથી વધુ 41 રન ગત મેચના સદીવીર કેમરૂન ગ્રીને કર્યાં હતા. તેણે 23 દડાની ઇનિંગમાં 6 ચોકકા અને 1 છકકો ફટકાર્યોં હતો. તેના અને સ્ટાર સૂર્યકુમાર યાદવ વચ્ચે ત્રીજી વિકેટમાં 38 દડામાં 66 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. સૂર્યકુમાર યાદવે 20 દડામાં 2 ચોકકા-2 છકકાથી 33 રનની આકર્ષક ઇનિંગ રમી હતી. જયારે લખનઉ તરફથી અફઘાન મીડીયમ પસેર નવીન ઉલ હકે 38 રનમાં 4 વિકેટ ઝડપી હતી.

એલિમિનેટર મેચમાં મુંબઇના કપ્તાન રોહિત શર્માએ ટોસ જીતીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બેટિંગ પસંદ કરી હતી. પાવર પ્લેમાં પાવર હિટિંગ કરવાના ચકકરમાં રોહિત 11 રને અને ઇશાન કિશન 15 રને આઉટ થયા હતા. આ પછી ગ્રીન-સૂર્યાની જોડીએ મુંબઇની રન રફતાર વધારી હતી. જો કે આ બન્નેના ઉપરાઉપરી આઉટ થવાથી મુંબઇ ભીંસમાં આવી ગયું હતું. તિલક વર્માએ 22 દડામાં 2 છકકાથી ઉપયોગી 26 રન કર્યાં હતા. જયારે ડેથ ઓવર્સમાં નેહલ વઢેરાએ 12 દડામાં 2 ચોકકા-2 છકકાથી 23 રનની કેમિયો ઇનિંગ રમીને મુંબઇને 180 ઉપરના સ્કોરે પહોંચાડયું હતું. ટિમ ડેવિડ 13 અને ક્રિસ જોર્ડન 4 રને આઉટ થયા હતા. આ મેચની વિજેતા ટીમ શુક્રવારે અમદાવાદમાં જ બીજા કવોલીફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. ગુજરાત સામે જીત મેળવીને ચેન્નાઇ સુપર કિંગ્સ ફાઇનલમાં પહોંચી ચૂકી છે.