• શનિવાર, 02 માર્ચ, 2024

દુનિયાની 20 ટીમ વચ્ચે રમાશે ટી-20 વિશ્વ કપ

પહેલીવાર યુગાન્ડાની એન્ટ્રી, ઝિમ્બામ્વે ફેંકાયું : 12 ટીમનો સીધો પ્રવેશ, 8 ટીમે કર્યું ક્વોલિફાય

નવી દિલ્હી, તા.30 : આગામી 3 જૂનથી 30 જૂન સુધી રમાનાર આઈસીસી ટી-20 વિશ્વ કપ 2024 માટે તમામ 20 ટીમ ફાઈનલ થઈ ગઈ છે અને પહેલીવાર યુગાન્ડાએ તેમાં ક્વોલિફાય કર્યુ છે ! વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાનાર ટી 20 વિશ્વ કપમાં કુલ 20 ટીમ ભાગ લેશે જેમાં આફ્રિકા રીઝયનમાં યુગાન્ડાની ટીમે રવાંડાને હરાવીને આઈસીસી ટ્રોફીમાં સામેલ થવાની ઐતિહાસિક સિદ્ધી મેળવી હતી. ગત ટી 20 વિશ્વ કપમાં 16 ટીમ રમી હતી.

યુગાન્ડાની એન્ટ્રી સાથે ઝિમ્બાબ્વે ટી 20 વિશ્વ કપમાંથી બહાર ફેંકાઈ ગયું છે. ઝિમ્બાબ્વેનો ક્વોલિફાયર્સમાં નામીબિયા અને યુગાન્ડા સામે પરાજય થયો હતો. ગત ટી 20 વિશ્વ કપમાં ઝિમ્બાબ્વે સામેલ હતું જેમાં તેણે પાકિસ્તાનને હરાવી મોટો અપસેટ સર્જ્યે હતો. આફ્રિકા રિજયન ક્વોલિફાયરમાં નામીબિયા પહેલેથી જ ક્વોલિફાય કરી ચૂકયુ છે. 

ટી 20 વિશ્વ કપમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, નેધરલેન્ડસ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, અમેરિકા સહિત 12 ટીમને સીધો પ્રવશ મળ્યો છે તો 8 ટીમનો ફેંસલો રીઝનલ ક્વોલિફાયર્સ દ્વારા કરાયો છે. જેમાં આયરલેન્ડ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યૂ ગિની, કેનેડા, નેપાળ, ઓમાન, નામીબિયા અને યુગાન્ડાએ કવોલિફાયર્સ દ્વારા સ્થાન મેળવ્યું છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ