• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ ભાજપ અયોધ્યાના યાત્રાળુઓ માટે 36 ટ્રેનની વ્યવસ્થા કરશે

મુંબઈ તા 16 : મુંબઈ ભાજપ અયોધ્યા માટે 36 ટ્રેનોની વ્યવસ્થા કરશે. શહેરના દરેક વિધાનસભા ક્ષેત્રના રામભક્તો માટે એક-એક ટ્રેનનું આયોજન કરવામાં આવશે. 22મી જાન્યુઆરી, 2024ના રામમંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ અયોધ્યાની યાત્રા શરૂ થશે, એમ મુંબઈ એકમના ભાજપના પ્રમુખ આશિષ શેલારે જણાવ્યું હતું. ટૂંક સમયમાં ટ્રેનોનું સમયપત્રક જાહેર કરવામાં આવશે. 

આશિષ શેલારે વધુમાં ઉમેર્યું હતું કે, રામમંદિરના ઉદ્ઘાટન પ્રસંગે અયોધ્યા જવા ઈચ્છુક મુંબઈના રામભક્તોની નોંધણી પણ કરવામાં આવશે. ત્યારબાદ રાજ્યના અન્ય ભાગોમાંથી પણ અયોધ્યા જવા માટેની ટ્રેનોની વ્યવસ્થા કરાશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મધ્યપ્રદેશમાં એક રૅલીને સંબોધતાં વચન આપ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સત્તા જાળવી રાખશે તો રામભક્તોને અયોધ્યામાં શ્રી રામમંદિરના દર્શનની વ્યવસ્થા કરી આપશે. શાહે કૉંગ્રેસની ટીકા કરતાં કહ્યું હતું કે, તેમને પરિવારના સભ્યોના કલ્યાણમાં રસ છે. જ્યારે ભાજપ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ, દેશની સુરક્ષા અને આમજનતાની સુવિધા અને સુખાકારી માટે પ્રતિબદ્ધ છે.  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે લોકોને અયોધ્યાના રામમંદિરમાં 22 જાન્યુઆરીના અભિષેક સમારોહને મોટા પર્વ તરીકે ઊજવવાનું આહ્વાહન કર્યું છે. આરએસએસએ તેની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક દરમિયાન મંદિરના ઉદ્ઘાટન અંગે ચર્ચા કરી જાહેરાત કરી હતી કે, સંઘના કાર્યકરો રામભક્તોને આમંત્રણ આપવા માટે એકથી 15મી જાન્યુઆરી સુધી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરશે. આરએસએસએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રામમંદિરનું નિર્માણ એ ભારત માટે આનંદ, ગૌરવ, પ્રેમ અને પ્રગતિનું પ્રતીક છે.