• શનિવાર, 13 એપ્રિલ, 2024

જિઓ-ડિઝની હૉટસ્ટારનું સુકાન નીતા અંબાણી સંભાળશે   

રિલાયન્સ અને ડિઝનીએ પારસ્પરિક સમજૂતી કરાર કર્યા

મુંબઈ, તા. 28 (એજન્સીસ): સ્ટાર ઇન્ડિયા - વાયાકૉમ 18ની આજે મર્જ થયેલી નવી કંપનીના ચેરપર્સન તરીકે રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને સ્થાપક નીતા અંબાણીની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે બોધી ટ્રીના પ્રમોટર ઉદય શંકર શર્માની મર્જ થયેલી નવી કંપનીના વાઈસ ચૅરમૅન તરીકે નિયુક્તી થઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ડિઝની સાથે થયેલા જોઈન્ટ વેન્ચર (જેવી)માં રૂા. 11,500 કરોડનું રોકાણ કરવામાં આવશે. સંયુક્ત સાહસનું કુલ મૂલ્ય રૂા. 70,352 કરોડ (8.5 અબજ ડૉલર) આંકવામાં આવ્યું છે. કરાર અનુસાર વાયાકોમ 18 સ્ટાર ઈન્ડિયા પ્રા.લિ.માં વિલિન થશે. સમગ્ર પ્રક્રિયા પૂરી થયા બાદ સંયુક્ત સાહસનો સંપૂર્ણ અંકુશ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો રહેશે, જેમાં રિલાયન્સના 16.34 ટકા, વાયાકોમ 18ના 46.82 ટકા જ્યારે ડિઝનીના 36.84 ટકા હિસ્સો રહેશે.

નીતા અંબાણી અત્યારે રિલાયન્સના સ્પોર્ટસ વિભાગ હસ્તક આઈપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઇન્ડિયન્સની મેન અને વિમેન્સ ટીમનું નેતૃત્વ કરી રહ્યાં છે.ઝી-સોનીના મર્જરની વાતો પહેલા વર્ષ 2019માં 15થી 16 અબજ ડૉલરમાં થવાની વાતો હતી. તેની તુલનાએ રિલાયન્સ માટે સોદો ફાયદામાં હોવાનું માર્કેટ સૂત્રો માને છે. 

સોદો થતાં રિલાયન્સ દેશની સાથી મોટી મનોરંજન ક્ષેત્રની કંપની બની જશે, જેમાં ટીવી બ્રોડકાસ્ટિંગ અને સ્ટ્રિમિંગનો સમાવેશ થાય છે. જેમાં 120 કરતાં વધારે ચૅનલો ઓફર થશે, જેમ કે સ્ટાર પ્લસ, કલર્સ અને સ્ટાર સ્પોર્ટ્સનો તેમાં સમાવેશ થશે. નવી કંપનીમાં બે સ્ટ્રિમિંગ પ્લૅટફૉર્મ રહેશે અને તેમાં જિઓ સિનેમા અને ડિઝની પ્લસ હૉટ સ્ટારનો સમાવેશ થશે. જેમાં સબક્રિપ્શન અને જાહેરખબર ધરાવતા વીડિયોના ઓન ડિમાન્ડની આવક પણ સારી થવાની અપેક્ષા છે. 

સોદાને મંજૂરી આપવાનું કામ કમ્પિટિશન કમિશન અૉફ ઇન્ડિયા (સીસીઆઈ) દ્વારા ટૂંક સમયમાં થવાની ધારણા સૂત્રોએ વ્યક્ત કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ