• શનિવાર, 13 એપ્રિલ, 2024

પામતેલ વાયદામાં એક દિવસના વિરામ પછી ફરી તેજી  

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 29 : મલેશિયન પામતેલ વાયદામાં એક દિવસના ઘટાડા પછી ફરી પૂરપાટ તેજી હતી. હરીફ તેલોમાં મજબૂતાઈથી પામતેલ વાયદામાં ઉછાળો હતો. મલેશિયામાં પામતેલનો મે મહિનાનો કોન્ટ્રાકટ 62 રીંગીટના ઉછાળામાં 3969ની સપાટીએ પહોંચી ગયો છે. કુંઆલાલંપુરમાં આગામી સપ્તાહે યોજાનારી ઉદ્યોગ પરિષદમાંથી વેપારીઓ લીડની રાહ જોઈ રહ્યા છે. ડાલિયનનો સૌથી વધુ સક્રિય સોયાતેલ કોન્ટ્રાક્ટ 0.66 ટકા વધ્યો હતો.જ્યારે તેનો પામતેલ કોન્ટ્રાક્ટ 1.08 ટકાનો સુધારો હતો. શિકાગોમાં સોયાતેલના ભાવ 0.15 ટકા ઉંચા હતા. મલેશિયન પામતેલ ઉત્પાદનોની નિકાસ ફેબ્રુઆરી મહિના દરમિયાન આગલા મહિનાની સરખામણીએ 14 ટકા ઘટી હોવાનું કાર્ગો સર્વેયર દ્રારા જણાવાયું છે. વિશ્વના ટોચના પામતેલ ઉત્પાદક ઈન્ડોનેશિયા માર્ચ મહિના માટે ક્રૂડ પામતેલના સંદર્ભ ભાવ ઘટાડીને 798.90 ડોલર કરવાની અને નિકાસ કર 33 અને વસૂલાત કર 85 ડોલર રાખવાની યોજના ધરાવે છે.

સ્થાનિક બજારમાં આયાતી તેલોના ભાવમાં સુધારો જણાતો હતો.કંડલા બંદરે પામતેલ હાજરનો ભાવ રૂ.5 વધીને રૂ. 878-880 હતો. જ્યારે સોયાતેલમાં રૂ.10 વધી જતા રૂ. 938-340 હતો.

સીંગતેલ બજારમાં ઘરાકી ધીમી પડી જતા કામકાજ પાંખા થઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં મિલો દ્રારા લૂઝનો ભાવ રૂ. 1475-1500 બોલાતો હતો. જોકે લેવાલી ધીમી હોવાથી રૂ.1475માં આશરે 5-7 ટેન્કરના કામકાજ કરવામાં આવ્યા હતા. ધોરાજી-ઉપલેટા લાઈનમાં તેલિયાનો ભાવ રૂ. 2315-2316 હતો. સીંગખોળના રૂ. 33500 હતા.

કપાસિયા વોશમાં પામતેલની અસરથી રૂ.20નો ઉછાળો નોંધાતા ભાવ રૂ. 900-905 બોલાતો હતો. જોકે વોશમાં પણ ઘરાકી ઠંડી રહેતા 5-7 ટેન્કરના વેપારો થયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ