• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

રશિયન ડાયમંડ ઉપર નવા પ્રતિબંધથી સુરતના 10 લાખ કારીગરો બેરોજગાર થવાનું જોખમ  

વૈશ્વિક આર્થિક મંદીથી માગ ઘટતાં સુરતના એકમોમાં કામકાજ પાંખાં

કોલકાતા, તા. 23 : રશિયાની ખાણમાંથી નીકળતા ડાયમંડ પર જી-7 દેશોએ નવા પ્રતિબંધો લાદતાં સુરતના 10 લાખ હીરાના કારીગરોની રોજગારી મુશ્કેલીમાં આવી જવાની ધારણા છે. ભારતીય ડાયમંડ ઉદ્યોગ વિશ્વમાં ઉપલભ્ય 10 ડાયમંડમાંથી નવ ડાયમંડ આયાત કરી તેનું કટિંગ અને પૉલિશિંગ કરે છે. તે અલરોસાથી રશિયન ડાયમંડની આયાત કરે છે. વૈશ્વિક રફ ડાયમંડના ઉત્પાદનનો 30 ટકા હિસ્સો અલરોસાનો છે.

જેમ ઍન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રોમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના ચૅરમૅન વિપુલ શાહે જણાવ્યું હતું કે જો આ પ્રતિબંધ ચાલુ રહેશે તો 10 લાખ કારીગરોની રોજગારી અનિશ્ચિતતાની ગર્તામાં ધકેલાઈ જશે. યુક્રેન પરના રશિયાના આક્રમણના કારણે જી-7 દેશોએ રશિયા સામે આ નવા પ્રતિબંધો લાદ્યા છે.

રશિયાથી આયાત થતા રફ ડાયમંડની ઉપલભ્યતા નહીં રહેતાં એકબાજુ કાચા માલોની ખેંચ સર્જાશે. સામે વૈશ્વિક આર્થિક સ્લોડાઉનના કારણે માગ ઘટી છે. 14 મહિનાથી ચાલતા રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે વૈશ્વિક મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે.

ડાયમંડના ખાસ નંગનું મૂળ ક્યાં છે તે ઓળખવાની કોઈ વિશેષ પદ્ધતિ નથી. આમ છતાં જી-7 દેશો મૂળ શોધવાની ટેક્નિક અપનાવવા મથી રહ્યા છે અને વિશ્વ બજારમાં રશિયન ડાયમંડની હેરફેર ઘટાડવા મથી રહ્યા છે. જી-7 દેશોના ગ્રુપે એક નિવેદનમાં જણાવ્યું છે કે રશિયાની ખાણમાંથી નીકળતા, પ્રોસેસ થતા કે રશિયામાં ઉત્પાદન થતા ડાયમંડની નિકાસ કરી રશિયા જે કમાણી કરે છે તે કમાણી ઘટાડવાનો તેમનો હેતુ છે. અત્યારે ડાયમંડનું મૂળ શોધવાનો એકમાત્ર માર્ગ કીમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ