• ગુરુવાર, 28 માર્ચ, 2024

ભારત અને અૉસ્ટ્રેલિયા વચ્ચે ક્લીન એનર્જીનો વ્યાપ વધારવા સમજૂતી  

ડી. કે. તરફથી 

મુંબઈ, તા. 26 : ભારત અને અૉસ્ટ્રેલિયા હવે પરસ્પર સહકારથી ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી ( પુન:પ્રાપ્ય ઊર્જા) ક્ષેત્રે વધુ સફળતા હાંસલ કરવાનું અભિયાન શરૂ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અૉસ્ટ્રેલિયાની મુલાકાત દરમિયાન આ મુદ્દે સમજૂતી થઇ હતી. આ ઉપરાંત જટિલ ખનિજોના ઉત્પાદન ક્ષેત્રે પણ દ્વિપક્ષીય સમજૂતી થઇ હતી. 

અૉસ્ટ્રેલિયાની એક સમાચાર સંસ્થાને અૉસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બેન્સે જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચેની ચર્ચામાં રિન્યુએબલ એનર્જીનો મુદ્દો ફરી એકવાર કેન્દ્ર સ્થાને રહ્યો હતો.  આ મુલાકાત દરમિયાન ભારત અને અૉસ્ટ્રેલિયા વચ્ચે ગ્રીન હાઇડ્રોજન ટાસ્ક ફોર્સ ઊભી કરવા માટેના કરાર પણ થયા છે. આ ટાસ્ક ફોર્સમાં રિન્યુએબલ હાઇડ્રોજનના ભારતીય અને અૉસ્ટ્રેલિયન નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવશે. આ ટાસ્ક ફોર્સ અૉસ્ટ્રેલિયન અને ભારત સરકારના પ્રધનોને અહેવાલ સુપરત કરશે. જેમાં બન્ને દેશોના સહકારથી આ સેક્ટરમાં કેટલો લાભ થઇ શકે છે તેની અને આ સેક્ટરના વિકાસની તકોની વિગતો આપવામાં આવશે. આ સમજૂતીમાં બન્ને દેશો વચ્ચે આ દિશામાં કામગીરી સંદર્ભની શરતો પણ નક્કી કરાઇ હોવાથી બન્ને દેશોના પ્રતિનિધિઓને પોતાને આગળ કઇ દિશામાં કામ કરવાનું છે તેનો પહેલેથી જ અંદાજ રહેશે. આ ઉપરાંત બન્ને દેશોએ ભારત-અૉસ્ટ્રેલિયા માઇગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપ કરાર ઉપર પણ હસ્તાક્ષર કર્યા હતા. જેના કારણે હવે બન્ને દેશોના વિદ્યાર્થીઓ, સંશોધકો, વ્યાવસાયિક સાહસિકોનો પ્રવાસ સરળ બનશે. 

આ ક્ષેત્રે કરાયેલું રોકાણ ભવિષ્યમાં બન્ને દેશોને ઊર્જા ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થશે અને વૈશ્વિક એમિસન ઘટાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે એમ પણ અૉસ્ટ્રેલિયન વડા પ્રધાને ઉમેર્યું હતું.  અૉસ્ટ્રેલિયાની સરકારે હાલમાં જ રિન્યુએબલ હાઇડ્રોજન પ્રોજેક્ટસને ગતિ આપવા માટે વર્ષ 2023-24ના બજેટમાં બે અબજ અૉસ્ટ્રેલિયન ડૉલરની જોગવાઇ કરી છે. જેમાં અૉસ્ટ્રેલિયાનું લક્ષ્યાંક ગ્રીન ડાઇડ્રોજનનાં ઉત્પાદનમાં વિશ્વમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરવાનું છે. અૉસ્ટ્રેલિયા હાલમાં લિથિયમનાં ઉત્પાદનમાં પણ વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે.    

ભારત સાથેની મંત્રણા પહેલાં જ અૉસ્ટ્રેલિયાએ અમેરિકા સાથે ક્લીન એનર્જી ઉત્પાદન અંગે કરાર કર્યા છે. જેમાં એનર્જીનું રૂપાંતરણ અને એમિસનમાં ઘટાડા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અમેરિકા સાથેના કરારમાં હવે અૉસ્ટ્રેલિયાના સપ્લાયરોને અમેરિકામાં સ્થાનિક સપ્લાયરો જેવી કરરાહતો આપવામાં આવશે. જેનાથી અૉસ્ટ્રેલિયન કંપનીઓને લાભ થશે. સાથે જ વૈશ્વિક એમિસન્સમાં ઘટાડો થશે.