• સોમવાર, 06 મે, 2024

ભારતીય શૅરબજારનું માર્કેટ કૅપ પહેલી વાર $ 4 લાખ કરોડને પાર થયું 

વૈશ્વિક શૅરબજારોમાં ભારત પાંચમા ક્રમે પહોંચ્યું

મુંબઈ, તા. 29 (એજન્સીસ) : દેશનું અર્થતંત્ર ચાર લાખ કરોડ ડૉલરને પાર કરે તે પહેલાં દેશના શૅરબજારે બુધવારે આ લક્ષ્યાંક પાર કર્યે હતો. બુધવારે બીએસઈ લિસ્ટેડ શૅર્સની કુલ માર્કેટ કૅપ રૂા. 333 લાખ કરોડના સ્તરને પાર કરી ગઈ હતી.  

આ સિદ્ધિ સાથે ભારતીય શૅરબજારની માર્કેટ કૅપ વિશ્વના શૅરબજારોમાં પાંચમા ક્રમે પહોંચી છે. તેમાં અમેરિકા, ચીન, જપાન અને હોંગકોંગ બાદ હવે ભારતનો ક્રમ આવ્યો છે. 

આ કૅલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં નિફ્ટી 10 ટકા જેટલો વધ્યો છે અને સ્મોલ તેમ જ મિડકૅપ શૅર્સમાં તેજી અને ભારે માત્રામાં આવેલા આઈપીઓના કારણે વર્ષ 2023માં માર્કેટ કૅપમાં રૂા. 51 લાખ કરોડનો ઉમેરો થયો છે. મે 2021માં ભારતીય શૅરબજાર ત્રણ લાખ કરોડ ડૉલરની ક્લબમાં સામેલ થયા હતા. 

શૅર ભાવમાં થઈ રહેલા વધારા અને આઈપીઓના દમદાર લિસ્ટિંગના પગલે માર્કેટ કૅપમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. અમેરિકાની ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વૉલેરે આવનારા મહિનાઓમાં ધિરાણદર કપાત થવાના સંકેત આપતાં આજે નિફ્ટી 20,000ના સ્તરને સપ્ટેમ્બરની ટોચ બાદ પાર કરી ગયો હતો.

પાછલા બે મહિના દરમિયાન વિદેશી રોકાણકાર સંસ્થાઓ (એફઆઈઆઈ) દ્વારા  સતત વેચવાલી થયા બાદ હવે તેઓ ચોખ્ખા ખરીદદાર બન્યા છે. નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં એફઆઈઆઈ દ્વારા રૂા. 2901 કરોડના શૅર્સની ખરીદી કરવામાં આવી હોવાનું એનએસડીએલના આંકડા જણાવે છે. 

વર્ષ 2023 દરમિયાન એફઆઈઆઈ દ્વારા રૂા. 1 લાખ કરોડના શૅર્સની ખરીદી થઈ હતી, જ્યારે સ્થાનિક રોકાણકાર સંસ્થાઓ (ડીઆઈઆઈ) દ્વારા રૂા. 177.5 લાખ કરોડના શૅર્સની ખરીદી થઈ હતી. 

મૉગર્ન સ્ટૅન્લીના ચેતન આહ્યાનું કહેવું છે કે, એફઆઈઆઈ દ્વારા મજબૂત ફન્ડામેન્ટલને માન્યતા હોવા છતાં તેમના મતે બજાર વધારે મોંઘું થયું છે અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ભારે ખરીદીના કારણે તેનું મૂલ્યાંકન વધારે પડતું ગણવામાં આવી રહ્યું છે. 

વિદેશી બ્રોકરેજ કંપની સીએસએલએનું કહેવું છે કે, વર્ષ 2027 સુધીમાં ભારતનું અર્થતંત્ર  જપાનથી આગળ નીકળી જશે. અને ત્યારે માત્ર ચીન અને અમેરિકાનું અર્થતંત્ર ભારતથી આગળ હશે.