• શનિવાર, 02 માર્ચ, 2024

અપેક્ષા કરતાં સારી નિકાસથી પામતેલ વાયદો વધ્યો  

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 30 : મલેશિયન પામતેલ વાયદામાં ગુરૂવારે પ્રત્યાઘાતી સુધારો જોવા મળ્યો હતો. નવેમ્બર મહિનાની અપેક્ષા કરતા સારી નિકાસના કારણે વાયદામાં ઉછાળો આવ્યો હતો. જોકે આયાતકારોના નવા ઓર્ડરના અભાવે સુધારો મર્યાદિત બન્યો હતો. મલેશિયન પામતેલનો 23 રીંગીટ વધીને 3895ની સપાટીએ બંધ થયો હતો. મુખ્ય આયાતકાર ચીન અને ભારતમાં સુધારેલા આયાત માર્જીન અને સમાનતાના કારણે છેલ્લા 10 દિવસમાં મજબૂત સ્થાનિક વપરાશથી નવેમ્બર મહિનામાં અપેક્ષા કરતા વધુ સારી માંગ જોવા મળી છે. આગલા મહિનાની સરખામણીએ નિકાર 2 થી 11 ટકા વચ્ચે વધવાનો અંદાજ સર્વેયર એગ્રી મલેશિયાએ દર્શાવ્યો છે. બીજી તરફ ટોચના ઉત્પાદક ઈન્ડોનેશિયા દ્રારા પામતેલની નિકાસ જકાત અને વસૂલાતના વધારાથી મલેશિયન બજારને ટેકો મળ્યો હતો. જોકે ઉંચા ભાવ અને માંગમાં નબળાઈના લીધે નવી ખરીદીના અભાવે ભાવ ઉપર ભાર મૂક્યો છે.

સ્થાનિક બજારમાં આયાતી તેલોના ભાવ મક્કમ હતા. કંડલા બંદરે પામતેલ હાજરનો ભાવ રૂ. 830 અને સોયાતેલનો ભાવ રૂ. 955 હતો. સીંગતેલમાં લેવાલી સારી હોવાથી ભાવમાં ઉછાળો હતો. પગાર તારીખોમાં બારમાસી ઘરાકી વધવાની શક્યતાથી ભાવમાં વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં લૂઝનો ભાવ રૂ. 25 વધીને રૂ. 1600એ પહોંચ્યો છે. જેમાં મિલો દ્વારા આશરે 35-40 ટેન્કરના કામકાજ કરવામાં આવ્યા હતા. ધોરાજી-ઉપલેટા લાઈનમાં તેલિયાનો ભાવ રૂ. 2465-2466 હતો. સીંગખોળના રૂ. 37500-38000 હતા. કપાસિયા વોશનો ભાવ રૂ. 885-890ની સપાટીએ જળવાયેલો રહ્યો હતો. વોશમાં આશરે 10-15 ટેન્કરના વેપારો હતા.

Budget 2024 LIVE
હેડલાઇન્સ