• શનિવાર, 02 માર્ચ, 2024

ચોખાના વૈશ્વિક ભાવ 15 વર્ષની ટોચે : વિક્રમી સ્તરથી સહેજ ઓછા  

ભાવ ફરી ઊછળીને $ 640 પ્રતિ ટન નોંધાયા

મુંબઈ, તા. 30  (એજન્સીસ) : વિશ્વમાં ચોખાના સૌથી મોટા ઉત્પાદક દેશ ભારત દ્વારા નોન બાસમતી ચોખાની નિકાસ ઉપર લાંબા સમયથી ચાલુ રહેલા પ્રતિબંધના કારણે વૈશ્વિક બજારમાં ચોખાના ભાવ 15 વર્ષની ટોચે પહોંચ્યા છે. એશિયા અને આફ્રિકાના અબજો નાગરિકો માટે ચોખા એ દૈનિક આહારનો ભાગ હોવાથી તેમની મૂંઝવણમાં વધારો થયો છે અને સ્થાનિક નાગરિકોમાં અસંતોષની ભાવના વધારે ઘેરી બની છે. એશિયન કૉમોડિટી બજારમાં થાઈલૅન્ડના પાંચ ટકા ટુકડા ચોખાના ભાવમાં પાછલા બે સપ્તાહ દરમિયાન પ્રતિ ટન 57 ડૉલરનો વધારો થતાં ભાવ ફરી પાછા ઊછળીને 640 ડૉલર પ્રતિ ટન નોંધાયા છે. 

અૉક્ટોબર 2008માં જોવા મળેલા વિક્રમી સર્વોચ્ચ ભાવ કરતાં આ ભાવ હવે સહેજ નીચે છે અને ગમે ત્યારે તે નવી વિક્રમી સપાટી પાર કરે તેવી શક્યતા કૉમોડિટી નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. ભારત દ્વારા લાદવામાં આવેલા આકરા પ્રતિબંધોના કારણે ગયા અૉગસ્ટ મહિનાની શરૂઆતમાં ચોખાના વિક્રમી ઊંચા ભાવ નોંધાયા હતા. 

ચોખાની વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો 40 ટકા છે. ગયા વર્ષે ભારતે 5.6 કરોડ ટન ચોખાની વિવિધ વેરાઈટીની નિકાસ કરી હતી. ટ્રેડરોનું કહેવું છે કે હવે સ્ટૉક ઓછો હોય તો નિકાસ પણ ઘટશે અને તેની અસરે જાગતિક ભાવમાં ઉછાળો આવશે, રશિયા- યુક્રેન યુદ્ધ અને વિષમ આબોહવાના કારણે ચોખાના આંતરરાષ્ટ્રીય ભાવ પહેલેથી જ ઊંચા ચાલી રહ્યા છે. વિશ્વના ત્રણ અબજ નાગરિકો માટે ચોખા એ રોજિંદો ખોરાક છે અને પુષ્કળ પાણી માગી લેતા ચોખાનો 90 ટકા પાક એશિયામાં થાય છે. 

અલ નીનોના પરિબળ હેઠળ વરસાદની માત્રા ઘટે છે અને તેની સીધી અસર ચોખાના પાક ઉપર પડે છે. ભારત, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, થાઈલૅન્ડ, ચીન અને વિયેટનામ જેવા દેશો ચોખાનો મહત્તમ પાક આપે છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ