• શનિવાર, 02 માર્ચ, 2024

નીચા ભાવે ભારતની પામતેલની આયાતમાં 22 ટકાનો ઉછાળો

રાજકોટ, તા. 4 : હરીફ તેલોમાં નબળાઈ અને રીંગીટમાં મજબૂતીથી પામતેલ વાયદામાં સોમવારે બીજા સત્રમાં ઘટાડો નોંધાયો હતો. મલેશિયામાં પામતેલનો ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ 52 રીંગીટના ઘટાડામાં 3822ની સપાટીએ બંધ થયો હતો. ડાલિયનનો સૌથી વધુ સક્રિય સોયાતેલ કોન્ટ્રાક્ટ 0.51 ટકા ઘટયો હતો. જ્યારે તેનો પામતેલ કોન્ટ્રાક્ટ 0.36 ટકા નીચો હતો. શિકાગોમાં સોયાતેલના ભાવમાં 0.21 ટકાનો ઘટાડો હતો. પામતેલના સૌથી મોટા આયાતકાર ભારતની નવેમ્બર મહિનાની આયાત આગલા મહિનાની સરખામણીએ 22 ટકા વધીને 867 લાખ ટન થઈ હતી. જે ત્રણ મહિનામાં સૌથી વધુ હતી. રિફાઈનર્સોએ સોયાતેલ અને સૂર્યમુખી તેલની સરખામણીમાં પામતેલમાં ભારે ડિસ્કાઉન્ટને કારણે આયાતમાં વધારો કર્યો હતો. સોયા અને સૂર્યમુખી તેલ પરનું ડિસ્કાઉન્ટ પામતેલની સરખામણીએ કેટલાક સપ્તાહોથી વધી રહ્યું છે. જે રિફાઈનર્સોને પામતેલ તરફ પ્રોત્સાહીત કરે છે. 

મલેશિયન વાયદાની અસરથી સ્થાનિક બજારમાં આયાતી તેલોના ભાવમાં ઘટાડો થયો હતો. કંડલા બંદરે પામતેલ હાજરનો ભાવ રૂ. 10 ઘટી જતા રૂ. 820 હતો. જ્યારે સોયાતેલમાં રૂ. 40 કડાકો બોલી જતા ભાવ રૂ. 940 રહ્યો હતો.

સીંગતેલ બજારમાં ઘરાકીના અભાવ વચ્ચે ભાવમાં નરમાઈ હતી. સૌરાષ્ટ્રમાં લૂઝનો ભાવ રૂ. 1575-1600 બોલાતો હતો. જોકે આ ભાવે કોઈ લેવાલી ન હતી. મિલો દ્વારા લૂઝમાં 4-5 ટેન્કરના જ કામકાજ કરવામાં આવ્યા હતા. ધોરાજી-ઉપલેટા લાઈનમાં તેલિયાનો ભાવ રૂ. 2465-2466 હતો. સીંગખોળના રૂ. 37000 હતા.

કપાસિયા વોશનો ભાવ પામતેલની અસરથી રૂ. 5ના ઘટાડામાં રૂ. 870-875 બોલાતો હતો. વોશમાં પણ લેવાલી ન હોવાથી પરચૂરણ વેપારો થયા હતા.

Budget 2024 LIVE
હેડલાઇન્સ