• શનિવાર, 02 માર્ચ, 2024

સોનામાં $ 2111નો નવો વિક્રમ સર્જાયો 

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 4 : વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ઓલટાઇમ ઉંચી સપાટીને સ્પર્શીને પછી ઘટી ગયો હતો. છેલ્લે 7 ઓગસ્ટ 2020માં કોરોના સમયે સોનાનો ભાવ ઇન્ટ્રા ડેમાં 2072 ડોલર સુધી ગયો હતો. સોમવારે એશિયન કલાકો દરમિયાન 2111 ડોલરનો નવો તાજો ભાવ પણ થોડી ક્ષણો માટે થયો હતો. આ સાથે સોનામાં નવો ઇતિહાસ રચાઇ ગયો છે. જોકે આ લખાય છે ત્યારે મોડી સાંજે સોનું 2069 ડોલર સુધી હતુ. અમેરિકા દ્વારા વ્યાજદરમાં નવા વર્ષના આરંભમાં જ કાપ મૂકવાનો આરંભ કરાશે એવા સંકેત મળી રહ્યા હોવાથી સટ્ટો ખેલાઇ ગયો છે. હાલ પૂરતું સોનું 2000 ડોલરના સ્તરની નીચે કોઇ મોટાં સમાચાર વિના જાય તેમ નથી. સોનાની સાથે ચાંદી પણ સળગી ઉઠતા 25.11 ડોલર હતી. 

વિષ્લેષકો કહે છેકે, નીચાં વ્યાજદર સોનાને ફાયદાકારક નીવડશે. આવતા વર્ષે સોનાના ભાવમાં વધુ તેજી દેખાય છે. જોકે બજારમાં વન વે તેજી અત્યાર સુધી થઇ નથી પણ એક વખત વ્યાજકાપ ચાલુ થાય એટલે નવો ભાવ દેખાશે. એકંદરે સોનાની બજારનું સેન્ટિમેન્ટ ખૂબ જ હકારાત્મક થઇ ગયું છે. ફેડ દ્વારા વ્યાજદર કાપ આવતા વર્ષથી શરૂ થશે તેવા સંકેતો શુક્રવારે આપવામાં આવ્યા હતા તેની અસર બજાર પર થઇ છે. 

અગાઉ મે મહિના પૂર્વે વ્યાજકાપ માનવામાં આવતો હતો પણ હવે માર્ચ સુધીમાં ઘટી જશે તેવી શક્યતા 75 ટકા જેટલી વધી ગઇ છે. જોકે ફેડ હજુ વ્યાજ દર વધારવામાં વિલંબ કરે તો ટૂંકાગાળામાં 2000 ડોલરનો ભાવ પણ જોવા મળી શકે છે. એકંદરે ખરીદનારાઓએ દરેક ઘટાડે ઝંપલાવવાનું રહેશે. યુબીએસના અનુમાન પ્રમાણે 2024માં સોનાનો ભાવ 2250 ડોલર સુધી વધી શકે છે. 

કોમેક્સ વાયદામાં સટ્ટાકિય પોઝીશનોમાં મોટો વધારો થયો છે. ટ્રેડરો ચાલુ સપ્તાહે જાહેર થનારા અમેરિકાના નોન ફાર્મ પેરોલ ડેટાની રાહમાં છે. જો રોજગારી ઓછી સર્જાશે તો સોનાને વધારે ફાયદો મળશે. 

રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુધ્ધ સોનાનો ભાવ રૂ.50ના ઘટાડામાં રૂ. 63200 અને ચાંદી રૂ. 200 ઘટતા રૂ. 74500 રહી હતી. મુંબઇમાં અનુક્રમે રૂ. 553 વધીને રૂ. 63281 અને રૂ. 30 વધીને રૂ. 76430નો ભાવ ધાતુઓમાં હતો.

Budget 2024 LIVE
હેડલાઇન્સ