• શનિવાર, 02 માર્ચ, 2024

વડા પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન પહેલાં જ સુરત ડાયમંડ બુર્સમાં તેજીનો માહોલ

અમારા પ્રતિનિધિ તરફથી  

સુરત તા. 4 : સુરત ડાયમંડ બુર્સમાં 21 નવે.થી હીરાનું ટ્રેડીંગ કાર્યરત થયું છે. વડાપ્રધાનના હસ્તે  આગામી 17મીએ ઉદધાટન થાય એ પૂર્વે બુર્સમાં અપેક્ષા કરતા વધારે વેપાર થઇ ગયો છે. કિરણ જેમ્સ દ્વારા હીરા દલાલો અને વેપારીઓ માટે શરૂ કરાયેલી બે ટકા વળતરથી ઓફરથી પ્રથમ સપ્તાહે હીરા ઉદ્યોગકારોને વેપારમાં ધાર્યા કરતા વધુ સફળતા મળી છે.  

બુર્સના ચેરમેન વલ્લભભાઇ પટેલની કંપનીએ બુર્સમાં હીરાની લે-વેચ માટે આવનારા દલાલ અને ટ્રેડર્સ માટે બે ટકા ડિસ્કાઉન્ટ આપવાની ઓફર દિવાળી પહેલાથી જ જાહેર કરી હતી. 21મીએ વિધિવત ઓફિસો શરૂ થયા બાદ બુર્સમાં વેપારીઓની અવર-જવર વધી છે. 135 જેટલી ઓફિસો શરૂ થઈ ચૂકી છે. બીજી ઓફિસો ઝડપથી શરૂ થશે. ગત વિજયાદશમીથી આજ સુધી મોટી સંખ્યામાં ઓફિસોમાં કુંભ સ્થાપન થયા બાદ અનેક પેઢીઓએ ગત સપ્તાહથી વેપાર શરૂ કરી દીધો છે. મુંબઈથી 26 પેઢીઓએ કાયમ માટે સુરત આવી ચૂકી છે.

બુર્સ કમિટીના દિનેશભાઈ નાવડિયાએ કહ્યું હતું કે, ઓફિસ શરૂ કરનારી અન્ય ડાયમંડ કંપનીઓએ પણ હીરાની લે-વેચમાં આકર્ષક ઓફરો આપી હતી. જેના પ્રતિસાદમાં મુંબઇ તેમજ ગુજરાતના અમદાવાદ, રાજકોટ વગેરે વિસ્તારના બ્રોકરો અને ટ્રેડરો શરૂ થયાના પહેલા જ સપ્તાહમાં પહોંચ્યા હતા અને હીરાની લેવેચની પ્રક્રિયા હાથ ધરી હતી. બુર્સમાં ઓફિસ શરૂ કરનારી કંપનીઓને સારો એવો પ્રતિસાદ સાંપડતા દૈનિક નવા ઓફિસ ધારકોએ ડાયમંડ બુર્સમાં પોતાની ઓફિસ શરૂ કરવાની ઝડપથી તૈયારીઓ આદરી છે.  

આ તરફ સુરત ડાયમંડ બુર્સના પ્રમુખ સુરત ડાયમંડ બુર્સના પ્રમુખ નાગજીભાઇ સાકરીયા, લાલજીભાઇ ઉગામેડી, મથુરભાઇ સવાણી, અશેષભાઇ દોશી સહિતના આગેવાનોના એક પ્રતિનિધિ મંડળ ઉદઘાટનની આમંત્રણ પત્રિકાઓ આપવા માટે નવી દિલ્હી પહોંચ્યું હતું. પ્રતિનિધિમંડળે સુરતના સાંસદ દર્શના જરદોષને સાથે રાખીને કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને નાગરીક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને આમંત્રણ આપ્યા હતા. એ કહેવાનું કે, અગાઉ નાગરીક ઉડ્ડયનપ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ સુરતને બે આંતરરાષ્ટ્રીય કનેક્ટીવીટી મળશે તેની ખાત્રી ફરી આપી છે. સુરત ડાયમંડ બુર્સની સફળતામાં એર કનેક્ટીવીટીનો મોટો ફાળો રહેલો છે. જો સુરતને વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય એર-કનેક્ટીવીટી ન મળે તો બુર્સ ધોળો હાથી સાબિત થાય તેમ છે. અગાઉ પણ હીરાઉદ્યોગકારોએ સુરતને વધુને વધુ કનેક્ટીવીટી મળે તે માટે દિલ્હી દરબારમાં રજૂઆતો કરી છે. હવે જોવાનું રહેશે કે એસડીબીમાં ધમધમાટ શરૂ થયા સુરતને કેટલી એરકનેક્ટીવીટી મળે છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ