• શનિવાર, 02 માર્ચ, 2024

આ નાણાંવર્ષમાં જીએસટીનું માસિક સરેરાશ કલેક્શન રૂા. 1.66 લાખ કરોડ રહ્યું : સીતારામન  

એપ્રિલ 2023માં જીએસટી કલેક્શન સૌથી વધારે રૂા. 1.87 લાખ કરોડના વિક્રમી સ્તરે હતું 

નવી દિલ્હી, તા. 4 (પીટીઆઈ): 1 જુલાઈ 2017થી અમલમાં આવેલી જીએસટી પ્રણાલી બાદ જીએસટી કલેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેની વાર્ષિક ધોરણે માસિક સરેરાશ આ નાણાં વર્ષમાં રૂા. 1.66 લાખ કરોડની રહી હોવાનું કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને આજે જણાવ્યું હતું. 

લોકસભામાં આજે એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણાપ્રધાને જણાવ્યું કે આ નાણાં વર્ષના દરેક મહિનામાં જીએસટીનું સરેરાશ માસિક કલેક્શન રૂા. 1.50 લાખ કરોડના સ્તરથી ઉપર રહ્યું છે અને એપ્રિલ 2023માં રૂા. 1.87 લાખ કરોડની વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું છે.

1 જુલાઈ 2017ના રોજ જીએસટીનો અમલ થયા બાદ તેના કલેક્શનમાં ઉત્તરોઉતર વધારો થયો છે અને નાણાં વર્ષ 2023-24 દરમિયાન સરેરાશ માસિક કલેક્શન રૂા. 1.66 લાખ કરોડનું થયું છે અને તે પાછલા નાણાં વર્ષની માસિક સરેરાશ કરતાં 11 ટકા વધારે હોવાનું સીતારામને જણાવ્યું છે. 

નાણાં વર્ષ 2020-21માં સરેરાશ માસિક કલેક્શન રૂા. 94,734 કરોડનું થયું હતું, જે વર્ષ 2021-22માં વધીને રૂા. 1.23 લાખ રોડ થયું અને વર્ષ 2022-23માં રૂા. 1.50 લાખ કરોડ કરતાં વધારે થયું હોવાનું નાણાપ્રધાને જણાવ્યું હતું. 

એક અન્ય પ્રશ્નના જવાબમાં કેન્દ્રના નાણાં રાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યુ કે નાણાં વર્ષ 2021-22 અને નાણાં વર્ષ 2022-23માં જીએસટીના માસિક કલેક્શનમાં અનુક્રમે 30 ટકા અને 22 ટકાનો વધારો થયો હતો. 

31 અૉક્ટોબર 2023 સુધીમાં કુલ 14,897 અપીલ સેન્ટ્રલ જીએસટી સમક્ષ પેન્ડિંગ હતી, જ્યારે 31 માર્ચ 2023 સુધીમાં  પેન્ડિંગ અપીલની સંખ્યા 11,899  રહી હોવાનું ચૌધરીએ જણાવ્યું હતું.

Budget 2024 LIVE
હેડલાઇન્સ