• ગુરુવાર, 02 મે, 2024

ઈવીએમનું ભૂત ફરી ધૂણે છે

કેરળમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોમાં ગરબડો અને બીજાના વોટ ભાજપને ટ્રાન્સફર થવાના આક્ષેપો પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે પંચને કહ્યું છે કે, તે ફરિયાદ પર ધ્યાન આપે. અરજીઓમાં એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, કેરળના કાસરગોડમાં મોક પોલિંગ દરમિયાન દરેક વોટ ભાજપને જઈ રહ્યો હતો. જોકે, અદાલતના જણાવ્યા મુજબ મોક પોલિંગમાં ઈવીએમ અને વીવીપેટમાં ભાજપને એક વધારાનો મત મળ્યો હતો. આના પર બેન્ચે ચૂંટણી પંચને કહ્યું છે કે, તમે આની નોંધ લો અને એકવાર ચેક કરી લો.

હકીકતમાં અદાલતમાં વિવિધ સ્તરેથી દાખલ કરાયેલી અરજીઓમાં એવી માગ કરવામાં આવી છે કે, ઈવીએમથી મળતા બધા મતોનું વીવીપેટ દિલ્હીથી વેરિફિકેશન કરવામાં આવે. પ્રકરણને લઈ લાંબી અને રસપ્રદ ચર્ચા પણ થઈ છે. અરજદારોના વકીલે વીવીપેટની બધી સ્લીપોની ગણતરી કરવાની માગ કરી હતી. જવાબમાં કોર્ટે કહ્યું કે, ભારત જેવા દેશમાં કેવી રીતે સંભવ છે. આના પર વકીલે જર્મનીનું ઉદાહરણ આપતાં કહ્યું કે, ત્યાં બેલેટ પેપરથી ચૂંટણી થઈ રહી છે.

ન્યાયમૂર્તિએ સ્પષ્ટ જવાબ આપ્યો કે, જર્મનીમાં તો ફક્ત કરોડ નાગરિકો છે. આટલી વસ્તી તો મારા ગૃહરાજ્ય (કેરળ)ની છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, અમે દોર પણ જોઈ ચૂક્યા છે, જ્યારે બેલેટથી ચૂંટણી થતી હતી. તેમનું કહેવું હતું કે, મશીન સાચું રિઝલ્ટ આપે છે, સિવાય કે એમાં કોઈ માનવીય દખલ હોય. ઇવીએમ અને વીવીપેટની સ્લિપના પૂર્ણ વેરિફિકેશનની માગના સંદર્ભમાં સર્વોચ્ચ કોર્ટની બેન્ચે લોકસભાની ચૂંટણીઓ પહેલાં જે ટિપ્પણો કરી છે, તે મહત્ત્વપૂર્ણ હોવા ઉપરાંત બધી શંકાઓ પર પૂર્ણવિરામ મૂકનારી પણ છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી ઇવીએમ સાથે ચેડાં થવાની શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના ઉકેલ માટે ચૂંટણી પંચે કેટલાંક પગલાં પણ લીધાં છે, જેમાં વીવીપેટ વ્યવસ્થા અને એમાં લાવવામાં આવેલા સુધાર પણ સામેલ છે. વ્યવસ્થા અંતર્ગત વોટ નાખ્યા પછી તુરંત કાગળની એક સ્લિપ બને છે. ઇવીએમમાં લાગેલા કાચના ક્રીન પર સ્લિપ કેટલીક સેકન્ડો સુધી દેખાય છે.

તથ્ય છે કે, વીવીપેટ વ્યવસ્થામાં હજી સુધી કોઈ મોટી અનિયમિતતાના પુરાવા નથી મળ્યા. છતાં પણ જો કોઈ સંશય છે, તો ટૂંકા અંતરથી જીત મળનારી બેઠકોમાં પુન:ગણનાનો આગ્રહ તો સમજી શકાય છે, પણ રીતે ઇવીએમ અને વીવીપેટની સ્લિપોમાં 100 ટકા વેરિફિકેશનની માગ અતિશયોક્તિ છે, જે સંપૂર્ણ વ્યવસ્થામાં અવિશ્વાસનો અભાવ દર્શાવે છે. સુપ્રીમ કોર્ટના તાજા આદેશમાં જે કંઈ કહેવામાં આવ્યું છે તેની ચૂંટણી પંચ જરૂર નોંધ લઈ તેના પર ધ્યાન આપશે અને આશા રાખીએ કે પછી અનાવશ્યક ચર્ચા અને આરોપ-પ્રત્યારોપ પર પૂર્ણવિરામ લાગી જશે. ભારત વિશાળ લોકતંત્ર છે. અહીંની નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયાનો દાખલો દુનિયા લઈ રહી છે. એક જમાનામાં મેન્યુઅલ ચૂંટણી યોજાતી, ત્યારે મતદાન મથકો કબજે કરવાના ખેલ સૌ કોઈ જોઈ ચૂક્યા છે. માફિયારાજ અને મસલ્સ પાવરની મનમાની ચાલતી. ઇવીએમને લીધે ઘણેઅંશે બંધ થઈ શક્યું છે. વિરોધ કરનારાઓએ જૂની વાસ્તવિકતા સમજીને નવી ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ દર્શાવવો જોઈએ.