ઠાકરે બંધુઓએ મુંબઈ સુધરાઈની ચૂંટણી લડવા માટે હાથ મિલાવ્યા છે તેનું આશ્ચર્ય નથી અને કોણ કેટલી બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખશે તે જાહેર કરવાની ઉતાવળ નથી. હકીકતમાં રાજ ઠાકરેની માગ 100થી વધુ બેઠકો માટે હોવાની ચર્ચા ઘણા વખતથી સંભળાઈ રહી છે, પણ ઉદ્ધવ ઠાકરેની મરજી નહીં હોવાનું મનાય છે. આખરે પચાસ-પચાસ ટકાની સમજૂતી થાય તો નવાઈ નહીં. કૉંગ્રેસે અલગ લડવાની જાહેરાત કરી હોવાથી મુખ્ય ભાગીદાર બે જ છે તેથી સમજૂતી સરળ બનશે. બેઠકો અને ઉમેદવારોની જાહેરાત કરવા પહેલાં એકનાથ શિંદેને કેટલી બેઠકો ફાળવાય છે તેની રાહ જોવાય છે. બંને મોરચાની સ્થિતિ અલગ છે. શિંદેસેના અને ભાજપ બે મુખ્ય પક્ષો હોવાથી બહુમતી બેઠકો એમના વચ્ચે વહેંચાશે, જ્યારે અજિત પવારના રાષ્ટ્રવાદી પક્ષનું મુંબઈમાં પ્રભુત્વ નહીં હોવાથી એમનો હિસ્સો ઓછો હશે.
એકનાથ શિંદે સાથે 60 પૂર્વ કૉર્પોરેટરો-સભ્યો છે તેથી એમની પસંદગી નિશ્ચિત મનાય છે, પણ આમાં 40 પૂર્વ સભ્યો ઉદ્ધવસેનાના અને 20 અન્ય પક્ષોના છે. તે જોતાં ભાજપે એકનાથ શિંદેને 60થી 70 બેઠકો અૉફર કરી છે. આ ઉપરાંત આઠ-દસ વધુ આપવામાં આવે એવી શક્યતા છે, પણ ભાજપ મોટો હિસ્સો રાખવા માગે છે.
ઉદ્ધવ અને રાજ ઠાકરેએ મરાઠી અને મરાઠા-મહારાષ્ટ્રની અસ્મિતાનો મુદ્દો પ્રચારના કેન્દ્રમાં રાખવાની જાહેરાત કરી છે તેથી એમના પ્રતિકાર માટે એકનાથ શિંદે વધુ બેઠકો માગી રહ્યા છે, પણ ભાજપની વગ-લોકપ્રિયતા મરાઠી ભાષી ઉપરાંત અન્ય સમાજોમાં પણ છે તેથી ભાજપને વધુ બેઠકો જીતવાનો વિશ્વાસ છે. ભાજપે 140 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા તેમાંથી 120 જીતી શકશે એવો વિશ્વાસ ભાજપને છે અને તે સર્વેક્ષણના આધારે છે તેથી શિંદસેનાને 100 બેઠકો ફાળવી શકાય નહીં-થોડી અન્ય પક્ષો-જૂથ માટે પણ રાખવી પડશે.
બેઠકોની વહેંચણીમાં ખેંચતાણ સ્વાભાવિક છે, પણ ઉદ્ધવ ઠાકરે જાણે છે કે રાજ ઠાકરે ઉપર ઘણો આધાર છે તેથી એમને મનાવી લેશે. સામા પક્ષે ભાજપ પણ જાણે છે કે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે અને પરિવારવાદને પડકાર્યો છે અને સફળ પણ થયા છે તેથી એમને ‘પ્રોજેક્ટ’ કર્યા સિવાય વિકલ્પ નથી. આમ બંને મોરચાઓમાં વિકલ્પ નથી. સમજૂતી અને ઉમેદવારોનાં નામ શક્ય તેટલાં જલદી જાહેર કરવાં પડશે જેથી પ્રચારનો સમય મળી શકે.