• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

મોરચાથી બહાર રહીને પણ સમજૂતી : કૉંગ્રેસનો વ્યૂહ

મુંબઈ સુધરાઈની ચૂંટણીનો દિવસ નજીક આવતો જાય છે ત્યારે હવે મુખ્ય પક્ષો સમજૂતી કરવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. કૉંગ્રેસ પક્ષે મુંબઈમાં અલગ રહીને ચૂંટણી લડવાની જાહેરાત તો કરી દીધી પણ હવે મહારાષ્ટ્ર વિકાસ આઘાડી - મોરચાના ઉદ્ધવ સેના અને શરદ પવાર સાથે બાંધછોડ કરવા તૈયાર છે! મુંબઈની 227 બેઠકોમાંથી 160 ઉપર કૉંગ્રેસના ઉમેદવારો હશે અને બાકીની બેઠકો ઉદ્ધવ સેના અને શરદ પવારને આપવાની અૉફર કરી છે - જેમાં પ્રકાશ આંબેડકરના ઉમેદવારો પણ સમાવિષ્ટ કરવાની અૉફર છે.

કૉંગ્રેસે વિધિસર એમવીએ મોરચામાં જોડાવાને બદલે અવિધિસર - અથવા તો પાછલા બારણે સમજૂતી કરવાનો વ્યૂહ અજમાવ્યો છે. આમ કરવાથી કૉંગ્રેસને બમણો લાભ થવાની ધારણા છે. એક તો મોરચાનાં અન્ય ઘટકો રાજી થઈને કૉંગ્રેસી ઉમેદવારોને ટેકો આપે અને બીજું - જે વિસ્તારોમાં કૉંગ્રેસને સારા દેખાવની આશા છે ત્યાં - જેવા કે મીરા-ભાયંદર - ત્યાં કૉંગ્રેસના ઉમેદવારોની બહુમતી હશે અને સાથી પક્ષો ટેકો આપશે. આ સમજૂતી મુજબ થાણે અને નવી મુંબઈમાં શરદ પવાર તથા ઉદ્ધવ સેનાની વગ સારી હોવાથી કૉંગ્રેસ વધુ બેઠકોનો આગ્રહ નહીં રાખે.

કૉંગ્રેસનો વ્યૂહ મોરચાના અન્ય પક્ષો - વિશેષ કરીને ઉદ્ધવ સેના સાથે `મૈત્રીસંબંધ' જારી રાખીને લાભ લેવાનો છે. છડેચોક ભાગીદારી થાય તો મુંબઈમાં હિન્દીભાષી અને મુસ્લિમ વોટ ગુમાવવાનો ડર છે - શક્યતા છે તેથી મૈત્રીસંબંધ મર્યાદિત રાખવા માગે છે પણ સંબંધ તોડવા નથી. ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં પછી સત્તાની ભાગીદારી કરી શકાય એવી ગણતરીથી અવિધિસર - પાછલા બારણે સમજૂતીની વાટાઘાટ થઈ રહી છે જે મુજબ `ફ્રેન્ડલી ફાઇટ' પણ ટાળવી છે અને ચોક્કસ બેઠકો સાથી પક્ષો માટે ફાળવવા તૈયાર છે.

કૉંગ્રેસનો આ વ્યૂહ ચૂંટણીમાં કેટલો કારગર નીવડે છે તે જોવાનું છે. દરમિયાન વંચિત બહુજન આઘાડીના સ્થાપક નેતા પ્રકાશ આંબેડકરને કેટલી બેઠકો મળશે - તે જોવાનું છે. એમણે તો કૉંગ્રેસના નેતાઓને ધમકી જ આપી છે કે જો હું મોઢું ખોલીશ તો કૉંગ્રેસ દેશ આખામાં ક્યાંય મોઢું બતાવી નહીં શકે... `પણ હું જાહેરમાં ધડાકો કરીશ તો ફાયદો ભાજપને મળશે તેથી મેં સંયમ જાળવ્યો છે!'

વાસ્તવમાં કૉંગ્રેસને ચૂંટણી વખતે આવા અનુભવ થતા જ હોય છે તેથી વાટાઘાટમાં ખેંચતાણ ભલે થાય પણ આખરે બાંધછોડ કરવી જ પડે છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ