• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

બાળકો અને સોશિયલ મીડિયા : કોર્ટની ચિંતા, આપણું ચિંતન

મદ્રાસ હાઈ કોર્ટે કેન્દ્રની સરકારને બાળકો અને સોશિયલ મીડિયા સંદર્ભે અગત્યની સલાહ આપી છે. ઉચ્ચ ન્યાયાલયે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના વધતા વ્યાપ અને બાળકો દ્વારા થતા તેના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે 16 વર્ષથી નીચેની વયનાં બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ નિયંત્રિત કરી દેવો જોઈએ. જેમ અૉસ્ટ્રેલિયામાં આના માટે વિશેષ કાયદાકીય જોગવાઈ છે તેમ ભારત સરકારે પણ કાયદો બનાવવો જોઈએ અને તે અંતર્ગત ટીનેજ ગણાતા - તરુણ, કિશોર વયના વર્ગ માટે સોશિયલ સાઇટ્સના ઉપયોગ પર અનેક નિયમનો હોવાં જોઈએ. મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયનું આ સૂચન કેટલું અમલમાં મૂકી શકાય તે તો સમય કહેશે, પરંતુ આના ઉપર એક અગત્યની ચર્ચા શરૂ થઈ છે. 

ગુરુવારે સૈનિકોના સોશિયલ મીડિયા ઉપયોગ ઉપર નિયંત્રણનો મુદ્દો આવ્યો હતો.  2018માં થયેલી જાહેર હિતની એક અરજીની સુનાવણી કરતાં મદ્રાસ હાઈ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને સૂચન કર્યું કે સગીર વયના વર્ગ માટે સોશિયલ મીડિયા ઉપર નિયંત્રણ હોવું જોઈએ. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટીકટોક જેવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઉપર તેમનાં એકાઉન્ટ્સ હોવાં જ ન જોઈએ. અૉસ્ટ્રેલિયામાં આવો કાયદો છે. જો આ ઉંમરની કોઈ વ્યક્તિએ આવા એકાઉન્ટ્સ બનાવ્યાં હોય તો તે તાત્કાલિક બંધ થવા જોઈએ. જસ્ટિસ જી. જયચંદ્રન અને રામકૃષ્ણનની વિભાગીય ખંડપીઠે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર ઉપર વધારે નિયંત્રણ મૂકવા સરકારને સૂચન કર્યું છે. 

ઇન્ટરનેટની સુવિધા આપનાર કંપનીઓને એવો નિર્દેશ અપાવો જોઈએ કે તે પૅરેન્ટલ વિન્ડો સેવા આપે જેથી કરીને માતા-પિતા કે ઘરના મોટેરા બાળકોની અૉનલાઇન ગતિવિધિઓ ઉપર નજર અને નિયંત્રણ રાખી શકે. એવું પણ સૂચન કરાયું છે કે જ્યાં સુધી આવો કાયદો અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી કેન્દ્ર સરકાર ઉપલબ્ધ માધ્યમો દ્વારા આવા મુદ્દા માટે ઝુંબેશ ચલાવે, લોકોને જાગૃત કરે. મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયની આ ચિંતા સાવ અસ્થાને નથી. બાળકો સોશિયલ સાઇટ્સ, ઍપ્સનો ઉપયોગ એક માત્રાથી વધારે કરે તો તેમના મનોવલણ ઉપર અસર થઈ શકે. હિંસા અને જાતીયતાનું પ્રમાણ વધારે હોય તેવી સામગ્રી બાળ કે કિશોર વયે નુકસાનકારક જ છે. અહીં અભિવ્યક્તિ સ્વતંત્રતાનો મુદ્દો આવે નહીં. 

બાળકો-વિદ્યાર્થીઓ અભ્યાસ માટે, વિવિધ સંદર્ભો માટે પણ સોશિયલ સાઇટ્સનો- ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ઇન્ટરનેટ કે તેના માધ્યમથી ઉપલબ્ધ બાબતો ઉપયોગી પણ છે જ. ટેક્નૉલૉજી, આધુનિકતાનો ક્યારેય આંધળો વિરોધ ન હોય, પરંતુ નિયમનની તો જરૂર ખરી. અહીં મદ્રાસ હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને કાયદો બનાવવાનું કહ્યું છે. તે કામ તેના સમયે થશે, પરંતુ ઘરમાં તો માતા-પિતા સરકાર છે. સૌથી પહેલાં તેઓ પોતે સોશિયલ મીડિયાના ઉપયોગ ઉપર સ્વયં નિયંત્રણ મૂકે પછી તેઓ પોતાનાં સંતાનોને આ બાબતે કંઈક કહી શકે. સંસદમાં કાયદો આવશે ત્યારે આવશે, પરંતુ આ સમસ્યાના અંતની શરૂઆત ઘરેથી જ થશે. અહીં ક્યાંય ટેક્નૉલૉજી કે સોશિયલ મીડિયા માટેની નકારાત્મકતા નથી. નકાર અને નિયંત્રણમાં ફેર છે.  

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ