ઉત્તર પ્રદેશના ઉન્નાવના ચર્ચાસ્પદ બળાત્કાર કેસના ગુનેગારને અદાલત દ્વારા જે રીતે સજામાફી અપાઈ તેનાથી દેશભરમાં ભારે રોષની લાગણી જાગી છે. દિલ્હીની વડી અદાલતના આ પગલાં સામે હવે સીબીઆઇએ સર્વોચ્ચ અદાલતનાં દ્વાર ખટખટાવ્યાં છે પણ ન્યાયપાલિકાના પગલાએ મહિલાઓના ગૌરવની જાળવણી સામેના પડકારનો વિવાદ વધુ એક વખત છંછેડયો છે. ઉન્નાવના આ ચર્ચાસ્પદ બળાત્કાર કાંડમાં ભાજપના માજી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને 2019માં જન્મટીપની સજા થઈ હતી. અદાલતે ભારતીય દંડ સંહિતાના પોસ્કો કાયદાની જોગવાઈ તળે આ સજા કરી હતી. તે સમયે પણ આ ઘટનાએ ભારે આક્રોશ જગાવ્યો હતો. હવે છ વર્ષે દિલ્હીની વડી અદાલતે એક અણધાર્યા આદેશમાં સેંગર સામેની સજા સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. આ આદેશે પણ દેશભરમાં રોષ જગાવ્યો છે. આ કેસમાં મહત્ત્વની બાબત એ છે કે, સેંગરને સજા કરતી વેળાએ નીચલી અદાલતે કહ્યંy હતું કે, તેને હવે જીવનભર જેલમાં રહેવું પડશે.
નીચલી અદાલતમાં સેંગરને કરાયેલી સજા કાયદા
મુજબની હતી પણ વડી અદાલતે સજાને રોકવાનો આદેશ કર્યો છે તેનાથી વિવાદ જાગ્યો છે. વડી
અદાલતના આદેશને સર્વોચ્ચ અદાલતમાં પડકારતી અરજી પણ દાખલ થઈ છે અને હવે સીબીઆઇ પણ સુપ્રીમ
કોર્ટમાં જઈ રહી છે.
સ્વાભાવિક છે કે, આ બનાવમાં ભોગ બનેલી
સગીરાને તે સમયે ભારે પીડાનો સામનો કરવો પડયો હતો. હવે તો આ ગુનેગારની મુક્તિથી આ પીડિતાના
જીવનું પણ જોખમ સર્જાયું છે. જે રીતે આ રાજકીય વગદાર ગુનેગારે વડી અદાલત સુધી પહોંચીને
રાહત મેળવી છે તે જોતાં તે મુક્તિ બાદ ફરિયાદી યુવતીનો અવાજ બંધ કરવા કોઈપણ હદે જઈ
શકે છે એવી આશંકા પ્રબળ બની રહી છે. આ કેસ ચાલતો હતો તે દરમિયાન પણ પીડિતાના પિતાનું
મોત થયું હતું. તેમની કારને એક ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માતમાં તેના વકીલ અને પીડિતા
પોતાને પણ ગંભીર ઈજા પહોંચી હતી. સાવ ફિલ્મી લાગે એવા આ બનાવમાં હવે પીડિતા અને તેનો
પરિવાર અસલામતી અનુભવે તેમાં કોઈ નવાઈ પામવા જેવું નથી. પીડિતાએ આ મામલામાં કૉંગ્રેસી
નેતાગીરી પાસે મદદ માગી છે, પણ આખા પ્રકરણની
ગંભીરતા સમજીને કેન્દ્ર સરકારે પણ તાકીદનાં પગલાં લેવાં શરૂ કર્યાં છે. સીબીઆઇએ
સર્વોચ્ચ અદાલત સમક્ષ મામલો લઈ જવાનાં પગલાં લીધાં છે અને પીડિતાને પૂરતી સલામતી પૂરી
પાડવાની ઉત્તર પ્રદેશ સરકારે પણ કાર્યવાહી કરી છે, પણ આખા પ્રકરણે ન્યાયપાલિકાનાં વલણ
અને તેની સમક્ષ કરાતી રજૂઆતોની સામે ગંભીર સવાલ ઊભા કર્યા છે. આશા રાખવી રહી કે, સર્વોચ્ચ
અદાલત ન્યાયતંત્રના આદેશને સુધારીને મહિલાઓની સલામતી અને ગૌરવની ભાવનાને પુન:સ્થાપિત
કરશે.