કૉંગ્રેસના 140મા સ્થાપના દિનના એક દિવસ પહેલાં પક્ષની કાર્યકારિણીની બેઠકમાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પક્ષ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની હાજરીમાં પક્ષનું સંગઠન નબળું હોવાની વાત સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વખાણ કર્યા. ભૂતકાળમાં દિગ્ગિરાજા ઘણીવાર બોલવામાં બફાટ કરી ચૂક્યા છે, પણ આ વખતે તેમણે કરેલી વાત અને સરખામણી સાથે શશી થરૂર પણ સહમત થયા છે. હાઈ કમાન સામે 2019માં માથું ઊંચકનારા જી-23 બાદ આ બીજો પ્રસંગ છે જ્યારે પક્ષના નેતાઓએ પોતાના મનની વાત મોકળાશપૂર્વક રજૂ કરી છે. ત્યારની અને અત્યારની કૉંગ્રેસની પરિસ્થિતિમાં બહુ ફરક પડ્યો નથી. એ વખતે લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષ માથાભેર પટકાયો હતો, રાહુલ ગાંધીએ પક્ષના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હોવા છતાં પક્ષ તેઓ જ ચલાવી રહ્યા હતા. આ પરિસ્થિતિ જોતાં પક્ષના જૂના જોગીઓએ સોનિયા ગાંધીને પત્ર લખી સંગઠનને મજબૂત કરવા માટેનાં સૂચનો કર્યાં હતાં. આ પત્રથી એ વખતે જેવો ધરતીકંપ મચ્યો હતો, તેની સરખામણીમાં દિગ્વિજય સિંહનું વિધાન તો હળવો આંચકો છે. જી-23ના નેતાઓમાંથી અનેક આજે પક્ષમાં નથી, જે રહી ગયા છે, તેમની વ્યથા અકબંધ છે અને પક્ષની સ્થિતિ છ વર્ષ પહેલાં હતી એના કરતાં વધુ કથડી છે. દિગ્વિજય સિંહે કૉંગ્રેસની બીમારી તરફ જ આંગળી ચીંધી છે, આવું જ નિદાન જી-23ના નેતાઓએ પણ કર્યું હતું.
રાહુલ ગાંધી હાલમાં જ સંસદના ચાલુ સત્રના
છેલ્લા પાંચ દિવસ જર્મનીમાં હતા. જી-23ના નેતાઓએ સોનિયાજીને એ વખતે ફરિયાદ કરી હતી
કે, પક્ષને પૂર્ણ સમયના અધ્યક્ષની જરૂર છે. આ ઉપરાંત તેમણે કરેલાં સૂચનોનો સૂર સંગઠનને
મજબૂત બનાવવા તરફી હતો. સોનિયાજીએ આ જૂથના નેતાઓને 10, જનપથ ચર્ચા માટે બોલાવ્યા અને
પાંચેક કલાક ચાલેલી આ બેઠક સંગઠનને સુદૃઢ કરવા પગલાં લેવાશે એ વાતની ખાતરી અપાતા જી-23
વિખેરાઈ ગયું. એ પછી ઉદયપુરમાં કૉંગ્રેસના અધિવેશનમાં આ વિષય પર ચર્ચા થઈ, ઠરાવ પસાર
કરાયા અને છતાં છ વર્ષ પછી પક્ષ ઠેરનો ઠેર છે. મલ્લિકાર્જુન ખડગે પક્ષ અધ્યક્ષ ચૂંટાયા
અને રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર નીકળ્યા, જેમાં ભીડ ઉમટી પણ સંગઠન મજબૂત થવાનું
કે ચૂંટણીમાં વિજય મેળવવાનું શક્ય ન બન્યું. ટૂંકમાં, જૈસે થે, જહાં થેની સ્થિતિ આજે
પણ છે.
કૉંગ્રેસ ભાજપ કે ડાબેરીઓની જેમ કૅડર આધારિત
પક્ષ નથી. કૉંગ્રેસને લોકોનું પીઠબળ હતું અને તેમના મતોથી પક્ષ સત્તામાં આવતો. પણ છેલ્લા
એક દાયકા કરતાં વધુ સમયથી ભાજપે તેમાં વિક્ષેપ પાડ્યો. ભાજપ માટે લોકોના મનમાં આત્યંતિક
તિરસ્કાર નિર્માણ થશે ત્યારે લોકો કૉંગ્રેસ તરફ પાછા ફરશે અને પક્ષ નેતૃત્વ આવું થવાની
રાહ જોઈ રહ્યું છે. જોકે, એવું થાય એની રાહ જોવાની છે કે સંગઠન સુધારણા વિશે આપણે વિચારવાના
છીએ, એટલો જ સવાલ દિગ્ગિરાજાએ પૂછી પક્ષની જૂની બીમારીની માત્ર ચર્ચા નવેસરથી શરૂ કરી
છે.