રોજબરોજના વહેવારોમાં રોકડનું પ્રમાણ ખાસ્સું ઊંચું છે, સત્તાવાર આંકડા મુજબ ગત જાન્યુઆરી મહિનામાં વિક્રમી 40 લાખ કરોડની કરન્સી સર્ક્યુલેશનમાં હતી, જે ગયા વર્ષે આ સમયગાળાની સરખામણીમાં 11.1 ટકા જેટલો વધારો સૂચવે છે. ડિજિટલ પૅમેન્ટની દિશામાં આગળ વધવાની સરકારી પહેલ છતાં દેશના નાગરિકો હજી પણ મોટા પ્રમાણમાં રોકડમાં વહેવાર કરે છે. છેલ્લા એક દાયકામાં કરન્સી હૉલ્ડિંગ્સમાં સ્થિર વધારો થયો હોવાનું જોવા મળે છે. ભારતમાં હજી પણ લોકોને હાર્ડ કૅશમાં વિશ્વાસ છે અને એનાં કારણો પણ વ્યાપક છે. જોકે, આ સાથે જ ડિજિટલ પૅમેન્ટમાં પણ સાતત્યપૂર્વક વધારો થતો હોવાનું જોવા મળી રહ્યું છે અને છતાં રોકડ પરનો મદાર, વિશ્વાસ અને ઢોળાવ ચોંકાવનારો છે. 2025માં આ સમયગાળામાં જ કરન્સી ઇન સર્ક્યુલેશનમાં 5.3 ટકા જેવો વધારો થયો હતો. આથી આ વખતે તેમાં બમણા જેટલો ઉછાળો આવ્યો છે.
માસિક
યુપીઆઇ વહેવારો રૂા. 28.3 લાખ કરોડની આસપાસ પહોંચ્યા હોવાનું એસબીઆઇએ હાથ ધરેલા સંશોધનમાં સામે આવ્યું છે, જે અર્થતંત્રમાં કુલ કૅશ સ્ટૉકના 70 ટકા જેટલું છે. આમ છતાં, રોકડ પ્રત્યે ભારતીયોનું વળગણ ઓછું થતું નથી. જુલાઈ 2025માં એકલા કર્ણાટકમાં 18,000 જેટલી જીએસટી ડિમાન્ડ નોટિસો જારી કરવામાં આવી હતી. અનેક નાના વેપારીઓ આના કારણે યુપીઆઇ કે ડિજિટલ પૅમેન્ટથી કૅશ તરફ વળ્યા હતા. કર્ણાટકની જેમ પશ્ચિમ બંગાળ, કેરળ, બિહાર અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં પણ ડિજિટલ પૅમેન્ટ તરફ ઉદાસીનતા વધતી હોવાનું આંકડા કહે છે. આ રાજ્યોમાં એટીએમ દ્વારા નાણાં કઢાવવાનું પ્રમાણ કર્ણાટકમાં 2025ના જુલાઈ મહિનાઓમાં મોકલવામાં આવેલી જીએસટી નોટિસો પછી વધ્યું હોવાની ચોંકાવનારી માહિતી એસબીઆઇએ હાથ ધરેલા સંશોધનમાં સામે આવી હતી. જીએસટીના વર્તુળમાં આવવાથી બચવા ફરી રોકડમાં વહેવાર કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે, તો બૅન્ક થાપણો પર વ્યાજદર ઘટી રહ્યા હોવાથી ગ્રામીણ વિસ્તારોમાં લોકો રોકડ પોતાની પાસે રાખવાનું વધુ પસંદ કરતા હોવાનું વલણ જોવા મળી રહ્યું છે. એક શક્યતા એવી પણ છે કે સોના-ચાંદીના આસમાને પહોંચેલા દરોને કારણે લોકોએ આ મોંઘી ધાતુઓ વેચી રોકડી કરી લીધી હોય અને આથી તેમની પાસે રોકડ વધી હોઈ શકે. રૂપિયા બે હજારની ચલણી નોટ પાછી ખેંચાવાને કારણે મધ્યમ મૂલ્યની ચલણી નોટનું પ્રમાણ ચલણમાં વધ્યું છે. એ જ રીતે 20 રૂપિયાથી ઓછા મૂલ્યની નોટોનું મહત્ત્વ ચલણમાં ઓછું થયું છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે આ ટ્રેન્ડ ચિંતાજનક નથી, કેમ કે એકંદર લોકો વધુ રોકડ ધરાવે છે, પણ કૅશ-ટુ-જીડીપી ગુણોત્તરમાં ઘટાડો થઈ રહ્યો છે અને જે રીતે યુપીઆઇ વહેવારોમાં વૃદ્ધિ થઈ રહી છે. આમ લોકો પાસે રોકડ વધુ હોવા છતાં ચલણમાં તેનું પ્રમાણ બહુ વધ્યું નથી, એવી દલીલ નિષ્ણાતો કરી રહ્યા છે.