2047માં ભારત કેવું હશે તેની સંકલ્પના સાથે કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે તેમાં ગુજરાત રાજ્ય સરકારે પણ આજે જાણે સૂર પુરાવ્યો છે. રાજ્યનું 4,08,053 કરોડનું જંગી અંદાજપત્ર વિધાનસભા સમક્ષ મૂકવામાં આવ્યું તેમાં શહેરીકરણ, રમત-ગમત ક્ષેત્ર અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા સાથે અનેક કલ્યાણકારી યોજનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જે જોગવાઈઓ બજેટમાં થઈ છે તે સાંગોપાંગ પૂર્ણ થાય તો આગામી દિવસોમાં ગુજરાત વિશ્વ સ્તરે વધુ ઊજળું બને એવું વિધાન અતિરેકભર્યું નથી. 2030માં યોજાઈ રહેલી કૉમનવેલ્થ રમતો તથા સંભવતઃ અૉલિમ્પિક રમતોત્સવ પણ અહીં યોજાય તે બાબતો ધ્યાનમાં રખાઈ છે. કદાચ આ એવું પ્રથમ બજેટ છે જેમાં રમત-ગમતને આટલું મહત્ત્વ અપાયું છે. બજેટ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધા, આર્થિક વિકાસ, ગ્રીન ગ્રોથને કેન્દ્રમાં રખાયાં છે.
અંદાજપત્રમાં નાણાપ્રધાને શહેરોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત
કર્યું છે. એક કારણ એ પણ હોઈ શકે કે, નજીકના મહિનાઓમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ-મહાનગરપાલિકાઓની
ચૂંટણી આવી રહી છે. આમ પણ શહેરોના વિકાસમાં આ સરકારે 90ના દાયકાના અંતથી નોંધપાત્ર
પરિણામ પ્રાપ્ત કર્યાં છે. હવે આધુનિક પદ્ધતિઓને સાથે રાખીને આ કામ થઈ રહ્યું છે. રમત-ગમત
મંત્રાલય માટે 2006 કરોડની માતબર ફાળવણી થઈ છે, જે અંતર્ગત સોમનાથને વૈશ્વિક સ્થાન
તરીકે વિકસાવવાનો મનોરથ સરકારે સેવ્યો છે. સોમનાથના ફક્ત બસપોર્ટ માટે જ રૂા. 447 કરોડની
જોગવાઈ કરવામાં આવી છે. અંબાજી કૉરિડોર, બહુચરાજી મંદિર, મહાશિવરાત્રિ મેળો, જૂનાગઢ
અને નર્મદા પરિક્રમાના વિશિષ્ટ ખર્ચને બજેટમાં સમાવાયા છે. ધાર્મિક પ્રવાસનનું મહત્ત્વ
અહીં ઉજાગર થયું છે.
શિવરાજપુર અને સોમનાથ બીચ પર વિશ્વ સ્તરીય સુવિધા વિકસાવવા
અને પોરબંદરમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા પણ અહીં જોગવાઈ છે. દુનિયાભરના પ્રવાસીઓ
જ્યાં વર્ષભર ઉમટે છે તેવા સ્ટેચ્યુ અૉફ યુનિટી માટે રૂા. 236 કરોડની ફાળવણી પણ ઉલ્લેખનીય
છે. 2026નું વર્ષ સરકારે પ્રવાસન વર્ષ જાહેર કર્યું છે અને તેથી સૌરાષ્ટ્રના ગીર, સાગરકિનારા
સહિતનાં સ્થળોના વિકાસને આ અંદાજપત્રમાં પ્રાધાન્ય અપાયું છે એવું કહી શકાય કે બજેટની
આ જોગવાઈ સૌરાષ્ટ્રને રાષ્ટ્રનાં વિવિધ રાજ્યો સાથે અને વિશ્વના દેશો સાથે વધુ મજબૂતીથી
જોડવામાં નિમિત્ત બનશે. રાજ્યના આંતરિક અને અન્ય રાજ્યોને જોડતા રસ્તા માટે હાઈસ્પીડ
કૉરિડોર જેવી યોજના આ પ્રવાસનને પ્રોત્સાહક પરિબળ તરીકે ભાગ ભજવશે.
2030માં કૉમનવેલ્થ રમતો આવી રહી છે. તેના માટે અમદાવાદને
‘અૉલિમ્પિક રેડીસિટી’ બનાવવા માટે રૂા.1278 કરોડની ફાળવણી
થઈ છે. આગામી દિવસોમાં રમત-ગમત ક્ષેત્રે પણ નોંધપાત્ર કામો થશે તેનો આ સંકેત છે. શહેરીકરણને
પ્રોત્સાહન આપવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને રૂા. 3354 કરોડ ફાળવાયા અને શહેરી ગરીબ
આવાસ યોજના માટે 1420 કરોડની જોગવાઈ છે. શિક્ષણ ક્ષેત્રે પણ સ્વાભાવિક રીતે જ ધ્યાનમાં
લેવાયું અને આઇટીઆઇમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે ‘નમો કૌશલ્ય’ લક્ષ્મી યોજના જાહેર થઈ છે. મહિલાઓના સ્વરોજગાર માટે પણ જોગવાઈ
છે, કિસાન ક્રેડિટ કાર્ડ, ગૌમાતા પોષણ યોજના, મત્સ્યોદ્યોગ સહિતનાં ક્ષેત્રો બજેટમાં
નોંધપાત્ર રીતે સમાવાયાં છે.
પ્રાકૃતિક ખેતીને પણ ધ્યાને રાખીને કૃષિ ઓજારોની સહાય
માટે પણ જોગવાઈ છે તો સામે ઉદ્યોગો માટે 25 જીઆઇડીસીને સ્માર્ટ બનાવવા તથા 120 મિની
જીઆઇડીસીના નિર્માણનો પ્રસ્તાવ નાણાપ્રધાને મૂક્યો છે. આત્મનિર્ભર ગુજરાતની યોજના અંતર્ગત
એમએસએમઈને પ્રોત્સાહન અપાયું છે. ગુજરાત પોલીસ માટે તમામ પ્રકારના ડેટા-માહિતીનું સંકલન
કરી તેનું વિશ્લેષણ થઈ શકે તે માટેનું વિશેષ કેન્દ્ર સ્થાપવામાં આવશે. આ ઉપરાંત, ડાયલ
112 જનરક્ષકમાં 3000 નવી ભરતી પણ થશે.
સૌરાષ્ટ્ર માટે પણ ગુજરાત સરકાર વિકાસ અને સુવિધાનો
મોટો રસથાળ લઈને આવી છે. દરિયામાં વહી જતાં નર્મદા નીરને ‘સુજલામ્ સુફલામ્’ પાઈપલાઈન દ્વારા સૌરાષ્ટ્રમાં વાળવા માટેની યોજના તથા સૌરાષ્ટ્રની
જીવાદોરી બનેલી સૌની યોજના માટે રૂા. 473 કરોડની ફાળવણી કરાઈ છે. સોમનાથ-દ્વારકા એક્પ્રેસ-વે
માટે રૂા. 3000 કરોડ ફાળવાયા છે તો એલઈ કૉલેજ મોરબીમાં માળખાકીય સુવિધા અને નવા કોર્સ
શરૂ કરવા તથા સંસ્થાને સ્વાયત્ત દરજ્જો આપવાનો પ્રસ્તાવ મુકાયો છે. રાજકોટમાં એનસીસી
લીડરશિપ એકેડેમીના બાંધકામની પણ જોગવાઈ કરાઈ છે.
ભાવનગર-રાજકોટ-જામનગર અને જૂનાગઢમાં એમઆઇસીઈ (િમાટિંગ
ઈન્સેન્ટિવ કૉન્ફરન્સ અને એક્ઝિબિશન) ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂા. 100 કરોડ ફાળવાયા
છે. જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કૉલેજ, પોરબંદર ખાતે રિજ્યોનલ સાયન્સ સેન્ટર, જામનગર-ભુજ-ખેડબ્રહ્મા
ખાતે કૃષિ યુનિવર્સિટી અંતર્ગત માળખાકીય સુવિધા તથા દૂધ ઉત્પાદનને મહત્ત્વ આપવાની પણ
જોગવાઈ છે. વિકસિત ભારતના લક્ષ્ય સાથેનું આ બજેટ છે તેવું કહી શકાય, પરંતુ એક અગત્યની
ટકોર એ જ છે કે જે કંઈપણ ફાળવણી થાય છે તેનો અમલ વ્યવસ્થિત થાય. ખાસ તો રસ્તા નિર્માણ
માર્ગ માટે જે રકમની જોગવાઈ છે તેનો ચોક્કસ આવકાર હોય, પરંતુ આ રસ્તાનાં કામો સમયસર
પૂર્ણ થાય અને મુસાફરોને મુશ્કેલી ઓછી પડે તેવું આયોજન પણ આવશ્યક છે. કાયદો અને વ્યવસ્થાની
સ્થિતિ વાસ્તવમાં વધુ સુધરવી જરૂરી છે. સાયબર ફ્રૉડ સામે સામાન્ય માણસની સુરક્ષા અનિવાર્ય
છે અને તે માટેની જાગૃતિ માટે પણ આર્થિક આયોજન થાય તે અગત્યનું છે. રમત અને પ્રવાસન
બન્ને મહત્ત્વનાં ક્ષેત્રો છે સાથે જ પાયાની સુવિધા, શહેરની ટ્રાફિક સમસ્યા સહિતની
બાબતોને પણ ધ્યાને રાખવી જરૂરી છે. પ્રવાસન ધામોના આધુનિકીકરણને લીધે તેનું પોત અને
હાર્દ છીનવાય નહીં તે જોઈને આયોજન થવા જોઈએ. રાજ્યની સમૃદ્ધિમાં આ બજેટ ઉમેરો કરશે
તેવી આશા રાખવી અનુચિત નથી.