રાજ્યસભાની કુલ 37 બેઠકોની ચૂંટણી માટે ચૂંટણી પંચે 16મી માર્ચનો દિવસ નક્કી કર્યો છે. આ 37માંથી સૌથી વધુ એટલે કે સાત બેઠકો મહારાષ્ટ્રની છે. આંકડાવારી જોતાં મહારાષ્ટ્રની સત્તારૂઢ મહાયુતિનો હાથ ઉપર છે, તો મહાવિકાસ આઘાડી પાસે સંખ્યાબળ ઓછું અને ઇચ્છુકો વધારે છે. મુખ્ય તો રાષ્ટ્રવાદી કૉંગ્રેસના (શપ જૂથ) શરદ પવારનો રાજ્યસભા કાર્યકાળ પૂરો થાય છે અને શિવસેના (ઉબાઠા) પવારની તરફેણમાં છે, તો કૉંગ્રેસમાં અંદરોઅંદર સિનિયર પવારની ઉમેદવારી વિશે મતાંતર છે. જોકે, અઠંગ રાજકારણી શરદ પવારે આ બાબતે કશું જ કહ્યું નથી, આથી રાજ્યસભાની આ ચૂંટણી મહારાષ્ટ્રમાં પ્રતિષ્ઠાની બની રહેવાની શક્યતા છે.
એમ તો બીજી એપ્રિલે મહારાષ્ટ્રના સાત રાજ્યસભા
સભ્યોનો કાર્યકાળ પૂરો થાય છે, આથી આ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે. આ સાત
સભ્યોમાં શરદ પવાર (એનસીપી-એસપી), ફૌજિયા ખાન (એનસીપી-એસપી), પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના-ઉબાઠા),
રજની પાટીલ (કૉંગ્રેસ), ભાજપના ધૈર્યશીલ પાટીલ, ભાગવત કરાડ તથા આરપીઆઇના રામદાસ આઠવલેનો
સમાવેશ થાય છે. વિધાનસભામાં મહાયુતિની બેઠકોની સંખ્યા 228 છે, આથી સાતમાંથી છ રાજ્યસભા
બેઠકો પર જીત મેળવવી મહાયુતિ માટે સહજ હશે. મહાવિકાસ આઘાડીની એકતાની કસોટી આ ચૂંટણી
નિમિત્તે થશે, કેમ કે ત્રણ પક્ષ અને તેમની વચ્ચે એક બેઠક છે. શિવસેના (ઉબાઠા)ના પ્રવક્તા
સંજય રાઉતે તો આઘાડીના ઉમેદવાર તરીકે શરદ પવારના નામનો ઉલ્લેખ કર્યો હતો. 85 વર્ષના
શરદ પવારે રાજ્યસભામાં જવા વિશે કોઈ સંકેત આપ્યો નથી, તો કૉંગ્રેસમાં એવી આંતરિક ચર્ચા
છે કે શરદ પવાર અને ભાજપ વચ્ચે નિકટતા સર્જાઈ છે, એ જોતાં તેમને ઉમેદવારી આપવી નહીં.
જોકે, કશું જ નક્કર કે નક્કી નથી, કેમ કે સ્થાનિક નેતાઓ કંઈ પણ કહે, આવા નિર્ણયો હાઈ
કમાન્ડ દ્વારા લેવાતા હોય છે. ધારો કે, પવાર ઉમેદવારી નકારી કાઢે છે, તો પ્રિયંકા ચતુર્વેદીના
નામ પર કૉંગ્રેસ સહમત થશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે.
ભાજપ તરફથી રાજ્યસભા માટે વિનોદ તાવડે,
વિનય સહસ્રબુદ્ધે, સુનીલ દેવધર જેવાં નામ ચર્ચાઈ રહ્યાં છે, તો રામદાસ આઠવલેને ભાજપના
ક્વૉટામાંથી મોકલવામાં આવી શકે છે, તો શિવસેના તરફથી ભૂતપૂર્વ સાંસદ રાહુલ શેવાળેનું
નામ ચર્ચામાં છે. અજિત પવારના જૂથ વતી પાર્થ પવારનું નામ આગળ કરાશે. આમ, મહાયુતિમાં
તો આ બાબતે કોઈ વિવાદ કે સંઘર્ષની શક્યતા ઓછી છે. કૉંગ્રેસનો હાલમાં જ સ્થાનિક સ્વરાજ્ય
સંસ્થાઓ અને જિલ્લા પરિષદની ચૂંટણીઓમાં દેખાવ જોતાં રાજ્યસભામાં કૉંગ્રેસના ઉમેદવારને
તક મળવી જોઈએ એવો અવાજ બુલંદ થઈ રહ્યો છે.