• બુધવાર, 01 એપ્રિલ, 2026

ટ્રમ્પનો યુદ્ધ ઉન્માદ

ઈરાનને પાંચ દિવસની મહેતલની ડોનાલ્ડ ટ્રમ્પની વાતોની કોઈ અસર ન થઈ અને અખાતી યુદ્ધ બેહદ ગંભીર તબક્કે પહોંચી ચૂક્યું છે. દુનિયાના મોટા ભાગના દેશો સુધી યુદ્ધની અસર થઈ છે. મોંઘવારી લબકારા મારી રહી છે. ખનિજ તેલની અછતને લીધે ખુદ યુદ્ધના જન્મદાતા અમેરિકામાંય તેલની કિંમતો વધી ગઈ છે. અમેરિકા અને યુરોપના દેશોમાં પ્રેસિડન્ટ સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે, પરંતુ ટ્રમ્પને તેની પરવા નથી. અમેરિકાએ ઈરાનના ઇસ્ફહાન હથિયાર ડેપોને બંકર બૉમ્બ ઝીંકીને નષ્ટ કરી નાખ્યો છે. અહીં ઈરાનનો યુરેનિયમ ભંડાર અને યુરેનિયમ પ્રોસાસિંગ સિસ્ટમ ઉપરાંત મિસાઈલોનો સ્ટૉક રહેતો હોવાનું મનાય છે. હોર્મુઝ પરનો કબજો ખાલી કરી દેવા માટે ઈરાનને રોજ નવી ધમકી આપી રહેલા ટ્રમ્પે તેહરાનને પીવાનું પાણી બનાવતા પ્લાન્ટ નષ્ટ કરી નાખવાની ચેતવણી આપી છે.  

દરમિયાન હોર્મુઝ ખાડીનાં જહાજ વ્યવહાર ઈરાને બાધિત કરતાં દુનિયાના દેશોમાં તેલ-ગૅસ પુરવઠાની તંગી સર્જાઈ છે. સ્પેન અને ફ્રાંસ બાદ ઈટાલીએ પણ અમેરિકાનાં યુદ્ધજહાજોને ઊતરવાની સુવિધા આપવાનો ઈનકાર કરી દેતાં ટ્રમ્પ એકલા પડી ગયા છે. ધૂંધવાયેલા પ્રમુખે યુરોપના દેશોને કહ્યું છે કે, તમને ઍર ફ્યુઅલ જોઈતું હોય તો હોર્મુઝમાં તાકાત લગાવીને મેળવી આવો અથવા અમેરિકા પાસેથી ખરીદો. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા તમારાં હિતો માટે હવે નહીં લડે, કેમ કે તમે પડખે ઊભવા તૈયાર નથી. યુદ્ધની આગ શાંત થવાનું નામ નથી લેતી, કેમ કે કોઈ નમતું જોખવા તૈયાર નથી. ટ્રમ્પની સ્થિતિ એવી છે કે, એ યુદ્ધ મેદાન છોડી શકતા નથી. મરણિયા પ્રયાસમાં એ ઈરાનમાં સૈનિકો ઉતારીને જમીની કાર્યવાહી કરે એવી સંભાવના છે. સંકેત એવા છે કે, અમેરિકા વાતચીતનો રસ્તો (પોતાની શરતે) ચકાસી રહ્યું છે. સાથે ભૂમિગત હુમલાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જમીની લડાઈ થઈ તો ઈરાનનું મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર ખાર્ગ દ્વીપ કબજે લેવાની ટ્રમ્પની ગણતરી છે. તેઓ કહી ચૂક્યા છે કે, ઈરાની તેલ ભંડારો મેળવવાનું તેમને ગમશે. એ સિવાય હોર્મુઝ ખાડીનો જળવ્યવહાર નિયંત્રણમુક્ત કરશે. ઉપરાંત ઈરાનનાં શત્રભંડાર અને અણુ પ્રતિષ્ઠાનો પણ અમેરિકી ફોજની રણનીતિનો ભાગ રહેશે. ઈરાન પણ આ સ્થિતિનો સામનો કરવા જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. દરેક નાગરિક અને બાળકો સહિત દસેક લાખ સૈનિકોની ફોજ એકત્ર હોવાનો તેહરાને હુંકાર કર્યો છે.  

આ યુદ્ધથી દુનિયા ત્રસ્ત છે. લાંબી મંદીના ભણકારા ડરાવી રહ્યા છે. શૅરબજારો જમીનદોસ્ત છે. કોઈ ચમત્કાર થાય તો લડાઈ રોકાય એવી પ્રાર્થના કરીએ.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ