• બુધવાર, 01 એપ્રિલ, 2026

નક્સલમુક્ત ભારત

દેશને નક્સલ-હિંસાથી મુક્ત કરવા માટે આપવામાં આવેલી 31મી માર્ચ, 2026 ડેડલાઈન સરકારે પાળી હોવાની જાહેરાત ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં કરી. માઓવાદીના ટોચના નેતાઓ અને કેન્દ્રીય માળખાને લગભગ પૂર્ણપણે જમીનદોસ્ત કરી નાખવામાં સરકારને સફળતા મળી હોવાનું કહેવા સાથે અમિત શાહે છ દાયકા દરમિયાન કૉંગ્રેસે લાલ આતંકવાદને પોષવામાં ભજવેલી ભૂમિકા વિશે પણ તેમણે વાત કરી હતી. દેશનાં બાર રાજ્યો નક્સલવાદથી પ્રભાવિત હતાં અને એક તબક્કે તો નક્સલ હિંસા દેશના કુલ 126 જિલ્લા સુધી પહોંચી હતી અને રેડ કૉરિડૉર સર્જાયો હતો તથા વીસ હજારથી વધુ નિર્દોષ નાગરિકો અને પાંચ હજાર જેટલા સુરક્ષા કર્મચારીઓ નક્સલવાદી હિંસાનો શિકાર બન્યા છે. જોકે, નરેન્દ્ર મોદી સરકારે આ દિશામાં ગંભીરતાથી હાથ ધરેલી કામગીરીને પગલે સાતત્યપૂર્વક આવા જિલ્લાઓની સંખ્યામાં ઘટાડો થયો છે.     

સંસદમાં બોલતાં અમિત શાહે કહ્યું કે, નક્સલવાદનાં મૂળમાં વિકાસનો અભાવ કે તેની માગ નહીં, પણ 1971માં ઇન્દિરાજીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય મેળવવા માટે સ્વીકારેલી ડાબેરી વિચારધારા અને તેમને અપાયેલી છૂટને પગલે નક્સલવાદ દેશમાં બેફામ ફેલાયો હતો. વી.વી. ગિરિને રાષ્ટ્રપતિની ચૂંટણી જિતાડવા માટે વિચારધારા સાથે થયેલી બાંધછોડે દેશના ગળે આ દૂષણ કાયમ માટે વળગાડી દીધું. છત્તીસગઢ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, બંગાળ, કેરળ અને કર્ણાટકનો કેટલોક હિસ્સો તથા ઉત્તર પ્રદેશના ત્રણ જિલ્લા એમ કુલ બાર રાજ્યોમાં રેડ કૉરિડૉરમાં ભારતનો કાયદો કે શાસન ચાલતું નહીં. બાર કરોડ લોકો ગરીબીમાં સબડતા રહ્યા અને કોઈએ તેમની જરાસરખી પણ પરવા કરી નહીં. હજારો યુવાનો રહેંસાઈ ગયા, કેટલાક આજીવન પંગુ બની ગયા, આના માટે જવાબદાર કોણ? એવો સવાલ પણ ગૃહપ્રધાને સંસદમાં પૂછ્યો. આ સાથે જ તેમણે રાહુલ ગાંધીને નક્સલવાદીઓ માટે કૂણી લાગણી ધરાવતા તથા કથિતપણે માઓવાદીઓ સાથે કનેક્શન ધરાવતી સંસ્થાઓને પોતાની ભારત જોડો યાત્રા સાથે સંકળાવા દીધાના આક્ષેપ પણ કર્યા હતા. અમિત શાહે માત્ર દોષારોપણ કર્યું એવું પણ નથી, વર્તમાન સરકારે 2014થી નક્સલવાદના ખાતમા માટે કરેલા પ્રયાસોની માહિતી પણ તેમણે સવિસ્તર આપી હતી. નક્સલ પ્રભાવિત બસ્તર જેવા વિસ્તારોમાં હિંસાને કારણે વિકાસના માર્ગમાં અંતરાયો ઊભા થતા, પણ સલામતીનાં પગલાં અને કલ્યાણકારી યોજનાઓને કારણે પરિસ્થિતિમાં સુધારો થયો છે.  

રાજકીય ઇચ્છાશક્તિ હોય તો કશું જ અશક્ય નથી, એનો સબળ પુરાવો એટલે નક્સલવાદનો આવેલો અંત. આ પ્રકારના દૂષણના અંત માટે ઝીરો ટૉલરન્સ અભિગમ, એકીકૃત રાષ્ટ્રીય વ્યૂહરચના અને સુરક્ષાને સુદૃઢ કરવા સાથે વિકાસનો ઉપયોગ સાધન તરીકે કરવાના અભિગમે સારાં પરિણામ આપ્યાં છે. વિદ્રોહીઓને મુખ્યધારામાં પાછા ફરવાની તક સાથે રોજગાર અને કૌશલ્યથી સજ્જ કરવાની વ્યૂહરચના કારગત નીવડી છે. આર્થિક સમાવેશ સાથે 2015થી લૅફ્ટ વિંગ ઍલિમેન્ટ્સ સામે લડવા માટે રાષ્ટ્રીય નીતિ અને ઍક્શન પ્લાનને વળગી રહેવાને કારણે નિયત તારીખે નક્સલવાદનો ખાતમો કરવામાં સફળતા મળી છે. 31મી માર્ચ, 2026 કાગળ પરની એક તારીખ નહોતી, પણ તેને સલામતીનું સીમાચિહ્ન બનાવી તથા નક્સલવાદીઓ અને રાષ્ટ્ર બન્ને માટે સંદેશ તરીકે આગળ કરી કરાયેલા પ્રયાસોનો પરિપાક છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ