• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

તહેવારોમાં ઘોંઘાટ : જાગરૂકતા આવી રહી છે

ઉત્સવમાં ઉત્સાહ અને ધૂમધામ હોય પણ એમાં ઘોંઘાટ અને પ્રદૂષણ આ બે બાબતો અનિવાર્ય દૂષણ બની ગયાં છે. એમાંય છેલ્લાં થોડાં વર્ષોમાં ઉત્સવની ઉજવણી કાનમાં ધાક બેસી જાય એવો ડીજેનો ઘોંઘાટ જાણે અવિભાજ્ય અંગ બની ગયો છે. પુણેમાં ગણેશોત્સવમાં ડીજે પર પ્રતિબંધની માગ વચ્ચે નાગપુરમાં પોલીસે પહેલી નવેમ્બર સુધી ડીજે, લેજર લાઈટ તથા અન્ય ઉપકરણોના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યારે જ્યારે તહેવારોમાં ઘોંઘાટનો મુદ્દો ઊભો થાય છે, કેટલાક લોકો પહેલા જ મેદાનમાં ઉતરી પડતાં કહે છે કે, માત્ર હિન્દુ તહેવારો સામે જ વિરોધ અને ધ્વનિ પ્રદૂષણનો કકળાટ કરવામાં આવે છે. જોકે, હાલમાં જ ઈદ-એ-મિલાદના જુલૂસ દરમિયાન ડીજે અને ધૂમધડાકાને લઈને મુસ્લિમ સમાજમાંથી પણ વિરોધ ઊઠ્યો છે. અહીં મુદ્દો ધર્મનો નથી, પણ ઉજવણીમાં થતાં અતિરેકનો છે અને લગભગ દરેક ધાર્મિક તહેવારોની ઉજવણીમાં હવે તેનું ચલણ વધી રહ્યું છે એ છે.

ગણેશોત્સવ મહારાષ્ટ્રનો મુખ્ય ઉત્સવ છે અને તેની શાન અને દબદબો અનન્ય છે. વળી, આ સાર્વજનિક ઉજવણી પાછળનો આશય પણ અત્યંત ઉચ્ચ હતો, પણ હવે તેમાં કર્કશપણું દરેક પાસામાં વધી રહ્યું છે. એમાં ધ્વનિ પ્રદૂષણ અત્યંત ગંભીર છે. મુંબઈમાં પણ પુણેની જેમ જ ડીજે અને લેઝર લાઈટ પર ઉત્સવો દરમિયાન પ્રતિબંધની માગે જોર પકડ્યું છે. જોકે, આ બંને પર આમ તો પ્રતિબંધ છે જ અને એ યથાવત્ છે એવું પોલીસે કહ્યું છે અને આ વખતે દહીંહાંડી અને ગણેશોત્સવમાં આ પ્રતિબંધની અમલ બજાવણી કેટલી અને કેવી થાય છે એના પર નજર રહેશે. ઊંચા અવાજે સ્પીકરમાં વાગતું સંગીત, અશ્લીલ ગીતો તથા તેના તાલ પર વિચિત્ર રીતે નાચતાં લોકો આ બધું ખરેખર તો કોઈપણ ધર્મ કે ઉજવણીનો હિસ્સો કેવી રીતે હોઈ શકે? આશા રાખીએ આ વખતે આ બાબતમાં આવેલી જાગરૂકતા અને પ્રતિબંધ અકબંધ રહે. એ પછી આવતા વર્ષથી ગણેશોત્સવમાં ગણેશમૂર્તિની ઊંચાઈ વધારવાની હોડ બાબતે પણ ગણપતિ બાપ્પા મંડળો તથા મૂર્તિકારોને સદ્બુદ્ધિ આપે અને જેમ સરકારે ડીજે બાબતે વલણ લીધું છે, એમ આ મોરચે પણ પહેલ કરે. આખરે, તહેવારોની ઉજવણી સાત્ત્વિક થાય અને ઉત્સાહ વધારે એવી બને એ સૌની જવાબદારી છે.