દેશ-વિદેશના કરોડો હિન્દુની આસ્થા સાથે અતૂટ નાતો ધરાવતા અયોધ્યાના રામ મંદિરના પ્રથમ મુખ્ય કારોબારી અધિકારી (સીઈઓ) તરીકે નિવૃત્ત ઍરમાર્શલ જિતેન્દ્ર મિશ્રાની વરણીએ આ મંદિરના ટ્રસ્ટના વહીવટમાં વધુ પારદર્શક્તા અને દર્શનાર્થીઓની વધુ સુવિધા, સલામતી, સ્વચ્છતા અને ભીડનાં વ્યવસ્થાપનમાં વધુ ધ્યાન અપાશે એવી અપેક્ષા જાગી છે. લાંબા સમયથી શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વહીવટને વધુ લોકભોગ્ય બનાવવા મંથન થઈ રહ્યું હતું, તેના અનુસંધાનમાં બુધવારે મળેલી ટ્રસ્ટની બેઠકમાં સીઈઓ તરીકે ઍરમાર્શલ મિશ્રાના નામની ઉપર સ્વીકૃતિની મહોર લાગી હતી.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટમાં આવતાં દાન અને
કીમતી ભેટમાં ભારે ગોટાળાની વિગતો આવી હતી. દાનપેટીની રકમથી માંડીને કીમતી ભેટોની કહેવાતી
ચોરીના આરોપો તળે અમુક લોકોને મંદિરને લગતી કામગીરીમાંથી પાણીચું અપાયું હતું અને ઉત્તર
પ્રદેશ પોલીસે આખા મામલમાં ખાસ તપાસ સમિતિ પણ રચી હતી, પરંતુ આ પ્રકરણને લીધે ભારે
ઊહાપોહ થતાં શ્રદ્ધાળુઓનો મંદિરના વ્યવસ્થાપન પર ભરોસો ડગી ગયો હતો. આ પ્રકરણે મંદિરનાં
વહીવટને વધુ પારદર્શક અને વ્યવસાયિક અભિગમ આપવાની અનિવાર્યતા છતી કરી હતી.
આમ પણ રામ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યા દિવસેદિવસ વધી રહી છે, તે જોતાં આ સંકુલની સુવિધાઓને વધારવાની જરૂર સતત સામે આવતી રહી છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને પ્રથમ સીઈઓની નિયુક્તિ કરાઈ છે. ઍરમાર્શલ મિશ્રાએ વાયુદળમાં તેમના કાર્યકાળ દરમિયાન અૉપરેશન સિંદૂર સમયે ચાવીરૂપ પશ્ચિમી ઍરકમાન્ડનું નેતૃત્વ સંભાળ્યું હતું. તેમની પાસે સશસ્ત્ર દળોના શિસ્ત અને વહીવટનો બહોળો અનુભવ છે, પણ વાયુદળની સિસ્ટમ અને ધર્મસ્થળનો વહીવટ સાવ અલગ બાબત છે. એક તરફ શિસ્તબદ્ધ ફોજના નિયમોને લીધે તેનું નેતૃત્વ સરળ બની રહેતું હોય છે, પણ રામ મંદિર જેવા મહત્ત્વના ધર્મસ્થળે રોજ ઊમટતા હજારો શ્રદ્ધાળુની સુવિધા અને સલામતીના નિયમની વ્યવસ્થા વધુ પડકારભરી બની રહેશે.
નવા સીઈઓની સામે સંખ્યાબંધ પડકારભરી જવાબદારીઓ રહેશે. ખાસ તો ટ્રસ્ટમાં દાનની
રકમ અને વસ્તુઓની સલામતીની પૂરતી વ્યવસ્થા કરવાની રહેશે. તાકીદે આ માટે દેખરેખ માટે
આધુનિક ટેક્નૉલૉજીના ઉપયોગ સાથે ભરોસાપાત્ર કર્મચારીઓની સામેલગીરીનો સમન્વય અનિવાર્ય
બની રહેશે.
રામ મંદિર ટ્રસ્ટની સામે બીજો મોટો પડકાર વધતી જતી ભીડનાં વ્યવસ્થાપનની છે.
રોજના દર્શનાર્થીઓ અને ખાસ તહેવારોએ ઊમટતા લાખો બીજા શ્રદ્ધાળુની માટે યોગ્ય આવન-જાવનના
માર્ગ, લાઈન, સલામતી, આરોગ્યની તાકીદની સુવિધા, પીવાનું શુદ્ધ પાણી અને ટ્રાફિકનાં
વ્યવસ્થાપન માટે નક્કર યોજના ઊભી કરીને તેના અમલ માટે તાલીમબદ્ધ કર્મચારીઓની તહેનાત
પર હવે ખાસ ધ્યાન આપવાની જરૂરત રહેશે. ટ્રસ્ટે હવે સમજી લેવાની જરૂર છે કે, મંદિરની
ભવ્યતા અને શ્રદ્ધાની સાથોસાથ તેના વહીવટની પૂરતી વ્યવસ્થા પણ એટલી અનિવાર્ય છે.