નવી દિલ્હી, તા. 17 : દિલ્હીના શરાબ નીતિ કૌભાંડમાં મની લોન્ડરીંગની તપાસ કરી રહેલી ઈડીએ આપ નેતા મનીષ સિસોદિયાને કસ્ટડી પૂરી થયા બાદ શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં ઈડીએ સિસોદિયાની સાત દિવસની કસ્ટડીની માગણી કરી હતી. જો કે કોર્ટે પાંચ દિવસની કસ્ટડીની મંજૂરી આપી હતી. હવે સિસોદિયાને 22 માર્ચના બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ સાથે કેર્ટે પોતાના આદેશમાં મનીષ સિસોદિયાને પોતાના ઘરખર્ચ માટે ચેક ઉપર હસ્તાક્ષર કરવા અને જપ્ત કરવામાં આવેલા બેંક ખાતાના ઉપયોગની મંજૂરી આપી છે.
આપ સાંસદ સંજય સિંહે કોર્ટના આદેશ બાદ આરોપ મુક્યો હતો કે ઈડીએ આધાર વિના રિમાન્ડ લીધા છે. મનીષ સિસોદિયા સાથે આતંકવાદીઓ કરતા પણ ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે. આ પહેલા સુનાવણીમાં સિસોદિયાના વકીલે દાવો કર્યો હતો કે પૂછપરછના નામે એજન્સી સિસોદિયાને બેસાડી રાખે છે. સાત દિવસમાં માત્ર 11 કલાક પુછપરછ કરવામાં આવી છે. ઈડીએ કોર્ટમાં કહ્યું હતું કે, તપાસ વર્તમાન સમયે મહત્વના વળાંકે છે. જો અત્યારે હિરાસત નહીં મળે તો તમામ મહેનત બેકાર જશે. આટલું જ નહીં ઈડીએ કોર્ટમાં કહ્યું હતું કે, સિસોદિયાની સીસીટીવી હેઠળ પૂછપરછ કરવામાં આવી રહી છે. હજી બે લોકોને 18 અને 19 તારીખના રોજ નિવેદન લેવા માટે બોલાવવામાં આવ્યા છે.
સિસોદિયાના વકીલે દલીલ કરી હતી કે સીબીઆઈએ જે તપાસ કરી છે ઈડી દ્વારા તેને દોહરાવવામાં આવી રહી છે. સીબીઆઈએ જે પૂછપરછ કરી છે તે ઈડી દ્વારા કરવામાં આવે છે. ઈડી સીબીઆઈની પ્રોક્સી એજન્સી તરીકે કામ કરે છે. જેના ઉપર દલીલ કરતા ઈડીએ કહ્યું હતું કે, સીબીઆઈ તેના કાયદાના દાયરામાં રહીને કામગીરી કરે છે જ્યારે ઈડીનો દૃષ્ટિકોણ અને તપાસના માપદંડ અલગ હોય છે.