• શનિવાર, 25 માર્ચ, 2023

એકનાથ શિંદેએ તમામ વિધાનસભ્યોની ઇમર્જન્સી બેઠક બોલાવી 

મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો

મુંબઈ, તા. 2 : શિવસેનાના નામ અને નિશાન અંગે શિંદે અને ઠાકરે જૂથ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે અને આ અંગે અંતિમ નિર્ણય આવવાનો બાકી છે. ઠાકરે અને શિંદે જૂથે પોતાના લેખિત જવાબ કેન્દ્રીય ચૂંટણી પંચને સોંપી દીધા છે. પંચનો નિર્ણય આવવા પહેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાના જૂથના તમામ 40 વિધાનસભ્યો અને 10 અપક્ષ વિધાનસભ્યની તાત્કાલિક બેઠક બોલાવી છે. કયા મુદ્દાને લઈ આ બેઠક બોલાવવામાં આવી છે તે જણાવવામાં આવ્યું નથી, પણ બેઠકને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. ગુવાહાટીથી આવ્યા બાદ પ્રથમ વખત શિંદે જૂથ અને તેના સમર્થક તમામ 50 વિધાનસભ્યોની બેઠક યોજાઇ રહી છે. 

શિવસેનાના ચૂંટણી ચિહ્ન અને પક્ષના નામને લઈ ચૂંટણી પંચના નિર્ણય પહેલા બોલાવવામાં આવેલી આ બેઠકને ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે. આ બેઠકના કારણો અને તેને લગતા મુદ્દાઓને લઈને વિવિધ અટકળો વહેતી થઇ રહી છે. 

પ્રધાનમંડળના વિસ્તરણમાં વિલંબ અંગે ચિંતા પ્રધાનમંડળ વિસ્તરણમાં વિલંબ થવાને કારણે પણ ઘણા ધારાસભ્યોમાં અસંતોષ છે. તે પ્રધાનપદ મેળવવાની રેસમાં છે, પણ પ્રધાનમંડળમાં વિસ્તરણને લઈ સતત સમય લાગી રહ્યો છે.

ચૂંટણી પંચે હજી શિંદે જૂથની તરફેણમાં નિર્ણય આપ્યો નથી અને સુપ્રીમ કોર્ટે 16 વિધાનસભ્યોને અયોગ્ય ઠેરવ્યા તો? કેન્દ્રીય ચૂંટણી પંચે શિંદે જૂથના પક્ષમાં નિર્ણય આપ્યો તો કોઈ મુશ્કેલી નહીં, પણ જો તેની વિરૂદ્ધ નિર્ણય આપ્યો તો આગળની રણનીતિ શું હશે? આ અંગે બેઠકમાં જરૂર ચર્ચા થશે. સાથે જ સુપ્રીમ કોર્ટે શિંદે જૂથના 16 વિધાનસભ્યોને જો અયોગ્ય ઠેરવ્યા તો શિંદે જૂથનો આગળનો પ્લાન શું હશે? એ અંગે પણ ચર્ચાનો મહત્ત્વનો મુદ્દો હશે. 

વિધાનસભાની પેટાચૂંટણીઓને લઈ ચર્ચા આ સિવાય માટિંગમાં પૂણેના કસબા અને પિંપરી ચિંચવડની વિધાનસભા પેટાચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપવા પર સહમતિને લઈને પણ વાત થશે. બેઠક દરમિયાન મહારાષ્ટ્રની પાંચ વિધાનપરિષદની સીટોના પરિણામ પણ સાફ થઈ જશે. તેના પરિણામને લઈને પણ ચર્ચા થશે.