અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના વિદેશપ્રધાન આમીર ખાન મુત્તકીની ભારત મુલાકાતની પૂર્વ સંધ્યાએ પાકિસ્તાને અફઘાન વિસ્તારમાં હવાઈ હુમલા કર્યા તેનું આશ્ચર્ય ભારત અને અફઘાનને પણ થયું નહીં. કારણ કે ભારત - અફઘાન સંબંધ સુધરે - ગાઢ બને તે પાકિસ્તાનને પરવડે નહીં. આપણા વિદેશપ્રધાન એસ. જયશંકર અને આમીર ખાનની મંત્રણા પછી બંને દેશોના રાજદ્વારી સંબંધ ગાઢ બની રહ્યા છે. કાબુલમાં ઉચ્ચ ડિપ્લોમેટ - અધિકારીઓની નિમણૂકથી શરૂઆત થશે અને નજીકના ભવિષ્યમાં એલચી - એમ્બેસેડરની પણ નિમણૂક થશે.
કાબુલમાં તાલિબાન સરકાર આવ્યા પછી
2021માં આપણે એલચી કચેરી બંધ કરી હતી પણ 2022માં માનવતાના ધોરણે અપાતી સહાયનો યોગ્ય
ઉપયોગ થાય તેની દેખરેખ રાખવા માટે ટેક્નિકલ ટીમ કાબુલ મોકલી હતી. નોંધપાત્ર છે કે પહલગામમાં
પાકિસ્તાની આતંકી હુમલા અને હત્યાકાંડને અફઘાન સરકારે સખત શબ્દોમાં વખોડીને આપણને સમર્થન
આપ્યું હતું. આમીર ખાન સાથેની મુલાકાતમાં જયશંકરે આભાર વ્યક્ત કર્યો અને પ્રાદેશિક
દેશો - અર્થાત્ પાડોશી દેશો ઉપર થતા આતંકી હુમલાઓને વખોડીને શાંતિ, સ્થિરતા અને અન્યોમાં
વિશ્વાસ રાખવાનો નિર્ધાર બંને વિદેશપ્રધાનોએ વ્યક્ત કર્યો છે.
આમીર ખાન નવી દિલ્હીમાં જયશંકર સાથે હાથ
મિલાવીને મંત્રણા કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની સંસદમાં ત્યાંના વિદેશપ્રધાન અફઘાનિસ્તાનને
ધમકી આપી રહ્યા હતા. પાકિસ્તાનમાં વસેલા અફઘાન આતંકી હુમલા કરી રહ્યા છે અને એમની સાથે
સખત હાથે કામ લેવાની ધમકી આપી રહ્યા હતા! પણ ભારતની ધરતી ઉપરથી અફઘાન વિદેશપ્રધાને
પાકિસ્તાનને જવાબ આપ્યો છે: ``અફઘાન લોકોની હિંમતને ઓછી આંકવાની ભૂલ કરતા નહીં. જો
કોઈ અમારી હિંમત ચકાસવા માગતા હોય તો એમણે સોવિયેત યુનિયન, અમેરિકા અને નાટોને પહેલાં
પૂછવું જોઈએ કે એમને કેવા અનુભવ થયા છે? અફઘાનિસ્તાનને છેડવામાં સાર નથી.''
આમીર ખાને પાકિસ્તાનને ચેતવણી અને ભારતને
ખાતરી આપતાં કહ્યું છે કે અમારી ભૂમિ - પ્રદેશનો ઉપયોગ અન્ય કોઈ પણ દેશ ઉપર હુમલા કરવા
માટે વાપરી શકાય નહીં. પાકિસ્તાને વિવાદ શાંતિમય સંવાદથી ઉકેલવા જોઈએ એમ પણ કહ્યું
છે.
વિકાસ માટે સહયોગ અંગે સમજૂતી સધાઈ છે.
ભારત કાબુલમાં એક હૉસ્પિટલ તથા અન્ય સ્વાસ્થ્ય સેવા આપશે. વીસ એમ્બ્યુલન્સ અને અફઘાન
નાગરિકોને તબીબી સારવારની વ્યવસ્થા કરશે. વિદ્યાર્થીઓને સહાય કરશે અને ધરતીકંપમાં પડી
ભાંગેલા નિવાસસ્થાનોનો જીર્ણોદ્ધાર કરશે. ઉપરાંત વ્યાપાર વધારવાની સમજૂતી પણ થઈ છે.
ભારતની ડિપ્લોમસી સામે પાકિસ્તાનનો ખોફ સમજી શકાય છે!