ભારત-બાંગ્લાદેશ વચ્ચેના ટાઢાબોળ સંબંધોમાં ઉષ્માનો સંચાર થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના બાંગ્લાદેશી સમકક્ષ તારિક રહેમાને ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે લખેલા પત્રમાં ભારત સાથે સુદૃઢ સંબંધોની ઇચ્છા વ્યક્ત કરી છે. ઈદ નિમિત્તે વડા પ્રધાન મોદીએ રહેમાન અને બાંગ્લાદેશના લોકોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો, જેના જવાબમાં રહેમાને પત્ર લખ્યો હતો. આ પહેલાં પણ રહેમાને ફેબ્રુઆરી મહિનામાં બાંગ્લાદેશમાં યોજાયેલી ચૂંટણીમાં વિજય મેળવ્યો ત્યારે વડા પ્રધાન પદની શપથવિધિ પહેલાં પણ મોદીએ તેમને પત્ર લખ્યો હતો. એ પત્રના જવાબમાં રહેમાને લખ્યું હતું કે, ભૂતકાળને કોરાણે મૂકી ઢાકા ઐતિહાસિક અને લાંબા ગાળાના નવી દિલ્હી સાથેના સંબંધોને આગળ વધારવા તૈયાર છે. આપણા સહિયારા ઇતિહાસ, સંસ્કૃતિ અને ભૂગોળ દ્વારા બંને દેશોના સંબંધોને આકાર મળ્યો છે અને તેને અમે સૌથી વધુ મહત્ત્વ આપીએ છીએ. ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી બાંગ્લાદેશના ઝડપી બૉલર મુસ્તાફિઝુર રહેમાનને દૂર કરાયા બાદ બંને દેશો વચ્ચે ચકમક શરૂ થઈ હતી. જેના પગલે બાંગ્લાદેશની ટીમ ભારતમાં રમાયેલી ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધામાંથી ખસી ગઈ હતી. બંને દેશોમાં ક્રિકેટને ધર્મ જેવો દરજ્જો પ્રાપ્ત છે અને ભારત આગામી સપ્ટેમ્બર મહિનામાં મર્યાદિત અૉવર્સની શ્રેણી રમવા બાંગ્લાદેશ જવાનું છે. આ માટે બાંગ્લાદેશે આયર્લૅન્ડનો પ્રવાસ રદ કર્યાના અહેવાલ છે. પાડોશી દેશો વચ્ચેના સંબંધો ફરી સામાન્ય બનવા તરફ આગળ વધી રહ્યાના આ બે સારા સંકેત છે. 2024માં વિદ્યાર્થી આંદોલનને પગલે શેખ હસીના સરકારના થયેલા પતન બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ સામેની હિંસા અને ભારતવિરોધી વાતાવરણ જોરમાં હતું. જોકે, ચૂંટણી પહેલાં ખાલિદનું પુનરાગમન અને મોટા માર્જિનથી તેના પક્ષને મળેલા વિજયને ભારતે વધાવ્યું હતું. પાડોશી દેશોમાં અસ્થિરતા અને ચીની હસ્તક્ષેપને કારણે ભારતની ચિંતાઓ વધી હતી. પણ રહેમાનની ઈદ ડિપ્લોમસીને કારણે સંબંધો ફરી સામાન્ય થવાની આશા પ્રબળ થઈ છે.