• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

મતદારયાદી સુધારતી એસઆઇઆરમાં ક્ષતિ

કોઈપણ લોકશાહી માટે મતદારયાદી ચાવીરૂપ બની રહે છે.  તેમાં પણ ભારત જેવા કરોડો મતદારને સમાવતી આ યાદી ક્ષતિ રહિત રહે તે અનિવાર્ય બની રહે છે. ભારતીય ચૂંટણી પંચે મતદારયાદીની ખાસ ગહન સમીક્ષા (એસઆઇઆર)ની પ્રક્રિયા હાથ ધરી ત્યારથી તેની સામે સવાલ ખડા થતા રહ્યા છે. હવે સામે આવી રહેલા મુદ્દા વિવાદની પરાકાષ્ઠા સમાન હોય તેમ જણાઈ રહ્યંy છે. આમ તો મતદારયાદીમાંથી મૃત, સ્થાન બદલી ચૂકેલાઓના, બેવડી નોંધણી થયેલા અને અપાત્ર મતદારોનાં નામ કમી કરવા અને યોગ્ય મતદારોનાં નામો ઉમેરવાની આ આખી પ્રક્રિયા સામે તેના આરંભથી જ સવાલ ઊભા થઈ રહ્યા છે.  

તાજેતરમાં સામે આવેલી ચોંકાવનારી હકીકતો મુજબ બિહારથી બંગાળ સુધી એસઆઇઆરની કાર્યવાહી સામેનો વિવાદ હવે રાજધાની દિલ્હી સુધી પહોંચ્યો છે. આ પ્રકરણમાં હવે માજી નાયબ વડા પ્રધાન  એલ. કે. અડવાણી, માજી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વિદેશપ્રધાન એસ. જયશંકર સહિતની ટોચની સંખ્યાબંધ હસ્તીઓના મતદાર તરીકેના અસ્તીત્વ બાબતે નોટિસ અપાઈ છે.  સ્વાભાવિક રીતે ચૂંટણી પંચની આ કાર્યવાહીએ ભારે ઊહાપોહ જગાવ્યો છે.  

હવે ચર્ચા એ છેડાઈ છે કે, ટેક્નિકલ અથવા રેકૉર્ડની નોંધણી સમયની ઉણપોને કારણ આ ક્ષતિ હોઈ શકે છે. પણ તેનાથી કોઈને મતાધિકારથી વંચિત કરી શકાય કે નહીં? વળી, આજકાલના સમયમાં લોકો પાસે જૂના દસ્તાવેજ ઉપલબ્ધ હોતા નથી આવા લોકોની સંખ્યા નાનીસૂની નથી. ગરીબો, સ્થળાંતર કરતા શ્રમજીવીઓ વૃદ્ધો પાસે તેમના જન્મને લગતા દસ્તાવેજો ઉપલબ્ધ હોતા નથી. વળી, અમુક જણ પાસેના દસ્તાવેજોમાં નામ કે જન્મ તારીખમાં નજીવા ફેરફારને લીધે તેમની મતદારયાદીમાં નોંધણી જોખમમાં આવી પડે છે.  

ચૂંટણી પંચના આંકડા મુજબ પશ્ચિમ બંગાળમાં મતદારયાદીમાંથી બકાત થયેલા 38 લાખથી વધુ લોકોએ અપીલ દાખલ કરી છે, તેમાં પ્રથમ તબક્કામાં 1.26 લાખ અપીલની ચકાસણી કરતાં 90 ટકાનાં નામ મતદારયાદીમાં ફરી સમાવાયાં છે.