• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

પંજાબને પણ ફિલ્મસિટીનું ઘેલું!  

મુંબઈની મુલાકાતે આવેલા પંજાબના મુખ્ય પ્રધાન અને `આપ'ના નેતા ભગવંત માન પંજાબમાં ફિલ્મસિટી ઊભી કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. આ માટે એમણે મુંબઈના ફિલ્મનિર્માતા અને દિગ્દર્શકોને પંજાબમાં સ્ટુડિયો સ્થાપવા વિનંતી કરી છે. આ અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ મુંબઈની મુલાકાત વેળા બૉલીવૂડને આકર્ષવા યુપીમાં વૅબ સિરીઝોને 50 ટકા અને વૅબ ફિલ્મોને પચીસ ટકા સબસિડી આપવાની દરખાસ્ત ઉપર સરકાર અભ્યાસ કરી રહી હોવાની ઘોષણા કરી હતી. 

ભગવંત માનના જણાવ્યા પ્રમાણે બૉલીવૂડની 80 ટકા ફિલ્મોમાં પંજાબની પટકથા હોય છે. એટલું જ નહીં, અનેક ફિલ્મોનું શૂટિંગ પણ ત્યાં થયું છે. માનનું કહેવું છે કે જો પંજાબમાં સ્ટુડિયો સ્થાપવામાં આવે તો પંજાબ સરકારને પણ આવક થશે.

ભગવંત માન પંજાબ અને ઉત્તર પ્રદેશની સ્થિતિનો ફરક સમજી શક્યા નથી. ફિલ્મસિટી ઊભી કરવાનું કામ આસાન હોવાનું માની રહ્યા લાગે છે. વાસ્તવમાં કોઈ પણ નવા સાહસ માટે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બહેતર હોવાનું મહત્ત્વ હોય છે. પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નથી એ જગજાહેર છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અંડરવર્લ્ડ અને સમાજ વિરોધી તત્ત્વો વિરુદ્ધ અભિયાન ચલાવી તેઓનો સફાયો કર્યો છે. તેવું માન પંજાબમાં નથી કરી શક્યા.

ઉત્તર પ્રદેશમાં બધી સુવિધાઓથી યુક્ત ખૂબ મોટી ફિલ્મસિટીનું નિર્માણકાર્ય ચાલી રહ્યંy છે. ફિલ્મસિટી ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના યમુના એક્સપ્રેસ-વે ડેવલપમેન્ટ અૉથોરિટી ક્ષેત્રમાં તૈયાર થઈ રહ્યું છે. આમાં ફિલ્મો, ટીવી સિરિયલ, એનિમેશન, વૅબ સિરીઝ, કાર્ટૂન ફિલ્મો વગેરેનાં શૂટિંગ માટે સમર્પિત સ્ટુડિયો હશે. આશા રાખી શકાય કે આવનારા દિવસોમાં ફક્ત મુંબઈ જ નહીં, દેશભરની બીજી ભાષાઓના ફિલ્મનિર્માતાઓ, કલાકારો, ટેક્નિશિયનો વગેરે માટે પણ ઉત્તર પ્રદેશ એક મોટું કેન્દ્ર બનશે. આ દૃષ્ટિએ પંજાબ ખૂબ પાછળ છે.