ગણેશોત્સવમાં લાલબાગચા રાજાના દર્શન કરવા માટે સેલિબ્રિટિઝથી સામાન્યની ભારે ભીડ ઉમટે છે. બૉલીવૂડના કિંગ તરીકે જાણીતા શાહરુખ ખાને નાના દીકરા અબરામ સાથે લાલબાગચા રાજાના દર્શન કર્યા હતા. તેણે ગણપતિને પ્રસાદ ધરાવ્યો હતો તથા ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. આ સંબંધિત વિડિયો અને ફોટા વાયરલ થયા છે. આ વિડિયોમાં જોવા મળે છે કે, પહેલાં શાહરુખ ભીડમાંથી રસ્તો કરીને લાલબાગના ગજાનન સુધી પહોંચે છે. ત્યાં તે મૂર્તિના ચરણ સ્પર્શ કરે છે અને તેનું જોઈને અબરામ પણ ગણપતિના ચરણને હાથ લગાડીને પગે લાગે છે. ત્યારબાદ કિંગ ખાન દાનપેટીમાં કશુંક નાખે છે. તેણે અને અબરામે માથે તિલક કરાવ્યું હતું. આ અગાઉ ગણેશ ચતુર્થીના દિવસે ખાન પરિવાર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે એન્ટેલિયામાં યોજાયેલી ગણેશ પૂજામાં ગયો હતો.