• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

`બેસ્ટ'એ પણ 14 ટકા વીજદર વધારાની દરખાસ્ત મૂકી

એપ્રિલથી મસમોટાં વીજ બિલ આવી શકે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : બેસ્ટે 14.12 ટકાના દર વધારાની દરખાસ્ત કરતાં એપ્રિલથી તેના 10 લાખ ઘરેલું ગ્રાહકોને વીજળીના મોટા બિલ આવી શકે છે.

તાતા પાવર અને અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડે પણ અગાઉ મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (મર્ક)ને વચગાળાની વીજદર સમીક્ષાની દરખાસ્તો મોકલી હતી. બેસ્ટે સોમવારે બહાર પાડેલી જાહેર નોટિસમાં જણાવ્યું હતું કે તેણે એનર્જી ચાર્જમાં યુનિટ દીઠ 78 પૈસા અને ફીક્સડ કોસ્ટમાં મહિને રૂપિયા 30થી 55નો વધારો કરવાની દરખાસ્ત મૂકી છે.આ ઉપરાંત તેણે બીલીંગ ચાર્જીસમાં રેસીડેન્શિયલ અને કૉમર્શિયલ વપરાશકારો માટે યુનિટ દીઠ રૂપિયા 1.46થી રૂપિયા 2.26ના વધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઔદ્યોગિક, રેલવે, મોનોરેલ અને મેટ્રો જેવા ગ્રાહકો માટે બેસ્ટે યુનિટ દીઠ 50 પૈસાથી 84 પૈસાનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

`હાલના સરેરાશ બીલીંગ દરને જોતા વર્ષ 2023-24 માટેનો પ્રસ્તાવિત દર વધારો 14.12 ટકાનો અને વર્ષ 2024-25 માટે 3.50 ટકાનો રહેશે, એમ નોટિસમાં જણાવવામાં આવ્યું હતું. આગામી નાણાકીય વર્ષમાં બેસ્ટ સુધારાયેલા દર દ્વારા તેની આવકમાં 20.39 ટકાના વધારાની ધારણા રાખી રહી છે.

અરજીઓની સુનાવણી બાદ મર્ક તેનો ચુકાદો આપશે અને નવા વીજદર એપ્રિલથી અમલમાં આવશે.