• શનિવાર, 27 એપ્રિલ, 2024

કાંદિવલીની કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનેશનલ શાળામાં અઝાન વગાડતા વિવાદ 

મુંબઈ, તા. 16 : કાંદિવલીમાં આવેલી કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનેશનલ શાળામાં પ્રાર્થના દરમિયાન અઝાન વાગવા માંડી હતી. વાલીઓની ફરિયાદ બાદ પોલીસે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. 

કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનેશનલ શાળામાં શુક્રવારે ચોંકાવનારી ઘટના બની હતી. સવારની પ્રાર્થના બાદ અઝાન પઢાવવામાં આવી હોવાનું જાણવા મળતા વિવાદ થયો છે. અઝાન શાળામાં વાગી હોવાની જાણ થતાં જ વાલીઓએ આ બાબતે રોષે ભરાઇને પહેલા શાળા પ્રશાસનને ફરિયાદ કરી હતી ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. 

આ મામલે શિવસેનાના કાર્યકર્તાઓએ શાળાનો ઘેરાવ કર્યો હતો અને શાળા સંચાલકોને પત્ર લખીને લાઉડ સ્પીકર ઉપર અઝાન ન વગાડવાનું જણાવ્યું હતું. દરમિયાન જે શિક્ષકે અઝાન મૂકી હતી એને સસ્પેન્ડ કરાયા હોવાનું શાળા સંચાલકોએ જણાવ્યું હતું. 

શાળા ઉપર પહોંચેલા શિવસેના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે હિંદુ બાળકોના ધર્માંતરણનો પ્રયાસ શરૂ કરાયો હતો. આ અગાઉ શાળામાં કયારેય આવું બન્યું નથી. આ મામલે શાળા પ્રશાસને વાલી સહિત ભેગા થયેલા શિવસેના કાર્યકર્તાઓની માફી માગી હતી અને આ ઘટનાનું ભવિષ્યમાં પુનરાવર્તન નહીં થાય એની ખાતરી આપી હતી. જો ભવિષ્યમાં અઝાન શાળામાં વાગશે તો શિવસેના સ્ટાઇલમાં કાર્યવાહી કરવાની ચીમકી કાર્યકર્તાઓએ આપી હતી. 

દરમિયાન આ સમગ્ર વિસ્તારમાં હિંદુઓ રહે છે. અહીં લાઉડસ્પીકર ઉપર અઝાન કોણે લગાવી? શુક્રવાર હોવાથી કોણે નમાઝ અને અઝાન મૂકવાનું કામ કર્યું? આ હિંદુ શાળામાં અઝાનનું શું કામ? જેવા અનેક સવાલો ભાજપના વિધાનસભ્ય યોગેશ સાગરે કર્યા હતા અને જેણે અઝાન લગાવી તે શિક્ષકને સસ્પેન્ડ કરવાની માગણી તેમણે કરી હતી. આ આંદોલન શિક્ષક ઉપર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ચાલતુ રહેશે, એમ વધુમાં યોગેશ સાગરે ઉમેર્યું હતું. શાળા સંચાલકોએ શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે અને ભવિષ્યમાં આવી કોઇપણ ઘટના નહીં બને એવું આશ્વાસન આપ્યું છે.

ભાજપના સાંસદ ગોપાળ શેટ્ટીએ પોલીસ ઉપાયુક્ત અજય બંસલને પત્ર લખીને આ પ્રકરણની તપાસ કરવાની અને આ બનાવ પાછળ કોનો દોરીસંચાર છે તે શોધી કાઢવાની માગણી કરી છે. આ પ્રકારણ ગંભીર હોવાથી તેની તપાસ તાકીદે હાથ ધરવામાં આવે એમ બંસલે ઉમેર્યું હતું.