• રવિવાર, 06 જુલાઈ, 2025

રસીકરણને લીધે નથી થતાં હૃદયરોગથી મૃત્યુ

ભારતના અગ્ર હરોળના સ્વાસ્થ્ય સંસ્થાનોએ કોરોના વાયરસ વિરોધી રસી સંદર્ભે ચાલી રહેલી અફવા અને ગેરમાન્યતાઓ દૂર કરી દીધી છે, તે રાહતના સમાચાર છે. નાની ઉંમરે હાર્ટઍટેકથી થતાં મૃત્યુ માટે કોરોના વિરોધી રસી જવાબદાર છે તેવી ગેરમાન્યતા વ્યાપક પ્રમાણમાં છે. તબીબી વિજ્ઞાનની જાણકારી ન હોય તેવા લોકો તો આ ચર્ચા કરતા, પરંતુ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ આ મુદ્દે સંશયાત્મક સવાલો કરતાં વાતની ગંભીરતા વધી હતી. ઇન્ડિયન કાઉન્સિલ અૉફ મેડિકલ રિસર્ચ અને અન્ય એજન્સીઓએ આ મુદ્દે સંશોધનાત્મક અહેવાલો આપી દીધા છે. બધાનાં તારણ એ છે કે, હૃદયરોગના હુમલાને લીધે થતાં મૃત્યુ માટે રસીકરણ જવાબદાર નથી.

નેશનલ ઇન્સ્ટિટÎૂટ અૉફ એપિડેમોલૉજી (એનઆઈઈ)એ 19 રાજ્ય, એક કેન્દ્રશાસિત પ્રદેશ તથા 47 ક્ષેત્રીય હૉસ્પિટલોમાં અભ્યાસ કર્યો હતો. એઈમ્સ સહિતનાં સંસ્થાન તેમાં જોડાયાં છે. સૌના સંશોધનનો નિષ્કર્ષ એ છે કે, નાની વયે હૃદયની બીમારીને લીધે થતાં મૃત્યુ માટે હાર્ટઍટેક, માયો કાર્ડિયલ ઈનફેક્શન જવાબદાર છે, તેનું કારણ કોરોના વિરોધી રસી નથી. આધુનિક-બેઠાડું જીવનશૈલી, ખાણીપીણીની ટેવો, હૃદયની આનુવાંશિક બીમારી સહિતનાં કારણ હોઈ શકે. કેન્દ્ર સરકારે અને આ એજન્સીઓએ અગાઉ પણ આવી સ્પષ્ટતા કરી છે. ખાનગી ધોરણે ડૉક્ટર્સ પણ આ કહી ચૂક્યા છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કોરોના વિરોધી વેક્સિન માટે શંકા વ્યક્ત કરી, નાની વયે થતાં મૃત્યુ માટે તે રસી જવાબદાર હોવાની શક્યતા જતાવી તેથી સરકારે આ મુદ્દે ફરી ગંભીરતા દર્શાવી છે.

હવે આ ચર્ચામાંથી બહાર આવવાની જરૂર છે. કોરોના વિરોધી રસીની વિપરીત અસર થાય છે તેવી વાતોને લીધે જનમાનસમાં ડર ફેલાય છે. મહામારી સમયે આટલી મોટી વસ્તી હોવા છતાં ભારતની સરકારે વિવિધ વ્યવસ્થા કરી હતી. રસીકરણમાં નોંધપાત્ર કામ થયું. 16મી જાન્યુઆરી, 2021ના દિવસે રસીકરણ કાર્યક્રમ શરૂ થયો. 9મી માર્ચ, 2023 સુધીમાં 2.2 બિલિયન લોકોને આપણા દેશમાં રસીકરણથી સુરક્ષિત કરાયા હતા. 12 વર્ષથી વધારે વયના 95 ટકાથી વધારે નાગરિકોને રસીનો એક ડૉઝ અને 88 ટકા વસ્તીને ત્રણેય ડૉઝ અપાઈ ચૂક્યા છે. 2021ની નવમી મે સુધીમાં તો ભારતે 95 દેશમાં રસી પહોંચાડી હતી.

આટલા વિરાટ અભિયાનને તે સમયે અમલી બનાવવું અઘરું હતું. હવે કોરોના વાયરસનું સ્વરૂપ પણ બદલાયું છે. જૂન માસમાં તેના કેસ દેખાયા, તેમાં પણ સદ્નસીબે ઘટાડો નોંધાયો છે, જ્યારે દેશની વિશ્વસનીય તબીબી સંસ્થાઓ અનેકવાર સ્પષ્ટતા કરી ચૂકી છે, હવે વારંવાર આ મુદ્દો આવવો જોઈએ નહીં, તેમાં પણ મુખ્ય પ્રધાન જેવા જવાબદાર પદ ઉપરના લોકોએ તો કોઈપણ નિવેદન કરતાં પહેલાં વિચાર કરવો જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક