• મંગળવાર, 15 જુલાઈ, 2025

જાહેર સલામતી ખરડો : આક્રમક વિરોધ પક્ષો

મહારાષ્ટ્ર વિધાનસભામાં `મહારાષ્ટ્ર જાહેર સલામતી ખરડા'ને સમર્થન આપ્યા પછી વિધાન પરિષદમાં ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે સેના, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને કૉંગ્રેસ પક્ષે જોરદાર વિરોધ કર્યો છે પણ આ ખરડો વિધાન પરિષદમાં પણ બહુમતીથી પસાર થઈ ગયો છે. હવે આ ત્રણે પક્ષો રાજ્યપાલને વિનંતી કરનાર છે કે ખરડાને મંજૂરી આપે નહીં.

ભારતવિરોધી પ્રવૃત્તિ - સશસ્ર બળવો - પોકારનાર નક્સલવાદીઓ હવે શસ્ત્રો નીચે મૂકીને શરણાગતિ કરી રહ્યા છે અથવા તો સલામતી દળો સામે મરણ શરણ થઈ રહ્યા છે પણ છેલ્લા કેટલાક સમયથી હવે શહેરી વિસ્તારોમાં નક્સલવાદીઓની નવી પેઢી, નવી `આવૃત્તિ' શરૂ થઈ છે. જેની ખુદ વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે ગંભીર નોંધ લીધી છે. શહેરી વિસ્તારોમાં આ નવી `ફોજ' લોકતાંત્રિક વ્યવસ્થાનો વિરોધ કરવા લોકોને - વિશેષ કરીને યુવા વર્ગને ઉશ્કેરીને અશાંતિ - અરાજકતા ઊભી કરવા માગે છે.

મહારાષ્ટ્રમાં શહેરી માઓવાદીઓની પ્રવૃત્તિ વધી રહી છે તેથી રાજ્ય સરકારે જાહેર સલામતી અંગેનો ખરડો પસાર કર્યો છે. વિધાનસભામાં લગભગ વિરોધ વિના પસાર થયેલો ખરડો ઉપલા ગૃહ-વિધાન પરિષદમાં વિચારાધીન હતો ત્યારે વિપક્ષોએ વિરોધ કર્યો. ખરડો વિરોધ પક્ષોને ગૂંગળાવવા માટે છે એવો આક્ષેપ થયો છે અને ખરડાની કેટલીક જોગવાઈ રદ કરવાની માગણી કરી છે.

સરકાર કહે છે કે આ ખરડો નક્સલવાદ અને આતંકવાદ સામે છે - પણ ખરડામાં આવી સ્પષ્ટતા નથી - ભારત વિરોધી પ્રવૃત્તિ કરતાં પરિબળો સામે જે પણ કાર્યવાહી થાય તેને અમે રાજીખુશીથી ટેકો આપવા તૈયાર છીએ પણ રાજકીય વિરોધીઓ પાછળ પડવા અને સામાન્ય લોકોને નિશાન બનાવાય તે અમને સ્વીકાર્ય નથી - એમ કહીને ઉદ્ધવ ઠાકરે ઉમેરે છે કે આ ખરડાની જોગવાઈ હેઠળ કોઈને પણ જેલમાં ધકેલી શકાય છે.

વિધાન પરિષદની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં ઉદ્ધવ ઠાકરેએ ખરડાની કલમ વાંચી સંભળાવી અને કહ્યું - સરઘસ અથવા મોરચો કાઢનારા જેલમાં જશે. જો ભાજપમાં જોડાયા નહીં તો જેલમાં જશો એવી ટકોર કરી છે.

વાસ્તવમાં ખરડામાં એવી જોગવાઈ છે કે જે કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોય અથવા કરવાનું પ્લાનિંગ કરતા હોય તેને સાત વર્ષની જેલવાસની સજા થઈ શકશે. ઉપરાંત રૂપિયા પાંચ લાખ સુધી પૅનલ્ટી થશે અને જે કોઈ આવી મિટિંગ અથવા સંસ્થાને મદદ કરતા હોય તેમને પણ ત્રણ વર્ષ જેલની સજા અને રૂા. ત્રણ લાખનો ફાઈન થશે. આવી સંસ્થાઓ સાથે જોડાયેલા હોય તેમની સ્થાવર-જંગમ મિલકત જપ્ત કરવાની જોગવાઈ પણ છે.

શહેરી વિસ્તારોમાં યુવા વર્ગનું `બ્રેઈનવૉશ' કરતી સંસ્થાઓ માઓવાદી વિચારધારાનો પ્રચાર કરીને લોકતાંત્રિક વ્યવસ્થાનો વિરોધ કરવા ઉશ્કેરે છે તેથી આ ખરડાને મંજૂરી મળવી જોઈએ એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કહે છે પણ વિરોધ પક્ષોને ડર છે - અને ખાતરી પણ છે કે આવી સત્તાનો ઉપયોગ રાજકીય વિરોધીઓ સામે થશે. ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીએ દેશભરમાં ઈમર્જન્સી લાદી હતી તે હવે નવા નામે રાજ્યોમાં આવી રહી છે એવી ટીકા થઈ છે ત્યારે રાજ્ય સરકારે આ ખરડામાં જરૂરી સુધારા કર્યા હોત તો વિરોધ પક્ષોનું સમર્થન મળી શક્યું હોત.

હવે બન્ને ગૃહોમાં પસાર થયેલા ખરડાને રાજ્યપાલની મંજૂરી મળ્યા પછી વિપક્ષી નેતાઓ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે અને મોદી સરકાર વિરુદ્ધ પ્રચારમાં એક મુદ્દો ઉમેરશે. રાજકીય સંઘર્ષ વધુ ગંભીર બનશે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ