• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

મહારાષ્ટ્રને ન મળેલા શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન

મહારાષ્ટ્રને મળ્યા નહીં એવા સૌથી શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન તરીકે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને વિધાનસભાના ગૃહમાં સીએમ દેવેન્દ્ર ફડણવીસે શ્રદ્ધાંજલિ આપી હતી. રાજ્ય વિધાનસભાના એક મહિના લાંબા બજેટ સત્રના પહેલા દિવસે ગૃહમાં રજૂ કરાયેલા શોક પ્રસ્તાવ પર ચર્ચા કરતાં વિવિધ પક્ષના નેતાઓએ અજિત પવારને શ્રદ્ધાંજલિ આપતાં તેમની સાથેનાં સંસ્મરણોને વાગોળ્યાં હતાં, તો આવા પ્રસંગે પણ રાજકારણ વચ્ચે લાવવાની હરકત કેટલાક રાજકારણીઓએ કરી હતી. ગત 28મી જાન્યુઆરીએ બારામતીમાં વિમાન-દુર્ઘટનામાં અજિત પવારનું નિધન થયું હતું.  

ફડણવીસે અજિતદાદા સાથેનાં સંસ્મરણો યાદ કરતાં કહ્યું હતું કે રાજ્યના નાણાં ખાતાએ સરકારને મુખ્ય મંત્રી માઝી લાડકી બહીણ યોજના રજૂ કરવા અંગે ફેરવિચારણા કરવા કહ્યું હતું. આ અભિપ્રાય છતાં અજિતદાદાએ મક્કમ નિર્ણય લીધો અને આ યોજના રાજ્ય કૅબિનેટ સમક્ષ મૂકી. પછી તેમણે ગુલાબી રંગનું જૅકેટ પહેર્યું અને અમને બધાને પણ એ રંગનું જૅકેટ પહેરવા કહ્યું. અજિત પવારને પોતાના નિકટના મિત્ર ગણાવતાં ફડણવીસે તેમની સખત મહેનત, સમયપાલન શિસ્ત અને સ્પષ્ટ વક્તાપણું તથા મુશ્કેલ નિર્ણયો મક્કમપણે લેવાના ગુણો વિશે વાત કરી હતી. શિવસેના (ઉબાઠા)ના ઉદ્ધવ ઠાકરેએ વિધાન પરિષદમાં અજિતદાદાને શ્રદ્ધાંજલિ આપતી વખતે ભાજપની ટીકા કરવાનું ચૂક્યા નહોતા, તો તેમના જ પક્ષના ભાસ્કર જાધવે તો એવું નિવેદન કર્યું કે અજિત પવારના અવસાન પછી શરદ પવારે આ દુર્ઘટના એક અકસ્માત છે અને આની પાછળ કોઈ ષડ્યંત્ર નથી એવું કહ્યું, એનું કારણ એ કે એ વખતે બારામતીના લોકોમાં આક્રોશ હતો અને એ જુવાળ બની બધે ન ફેલાય એ માટે તેમણે આવી વાત કરી હતી. છેલ્લા થોડા સમયથી અજિતદાદાના ભત્રીજા રોહિત પવારે વિમાન અકસ્માતમાં કંઈક રંધાયું હોવાની વાત આગળ કરી ઝુંબેશ ઉપાડી છે, એ શરદ પવારની વાતથી વિપરીત નથી, પણ સમય અને સંજોગો અનુસાર તેઓ વર્તી રહ્યા છે. 

એનસીપી (શરદ પવાર જૂથ)ના નેતાઓ પણ આ પ્રસ્તાવ પર બોલ્યા હતા, પણ કોઈએ આ પ્રસંગને રાજકીય રંગ આપવાનો કે મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો નહોતો. જયંત પાટીલે આડકતરી રીતે બંને એનસીપીના એકીકરણની વાત કરી હતી, તો રોહિત પવારે કાકા સાથેના સંબંધો, તેમની સલાહો અને સંસ્મરણો યાદ કરી ચોધાર આંસુએ રડી પડ્યા હતા. એનસીપીના અન્ય વિધાનસભ્યો-પ્રધાનો પણ અજિતદાદાને શ્રદ્ધાંજલિ આપતાં લાગણીશીલ થઈ ગયા હતા. વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે પ્રસ્તાવ મૂક્યો હતો કે વિધાનસભાના પ્રાંગણમાં અજિત પવારનું સ્મૃતિ સ્થળ બનાવવામાં આવે, જેથી આ મહાન નેતાને આવનારી પેઢીઓ પણ યાદ રાખે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ