ટી-20 વર્લ્ડ કપની ટ્રૉફી જાળવવામાં આ પહેલાં કોઈ ટીમને સફળતા મળી નથી. યજમાન ટીમ ઘરઆંગણે ક્યારેય ચૅમ્પિયન બની નથી. ક્રિકેટની સૌથી ટૂંકી ફૉર્મેટમાં એક પણ દેશ ત્રણવાર વિશ્વવિજેતા બન્યો નથી. ત્રણ-ત્રણ સીમાચિહ્નો વટાવતાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાનો વર્લ્ડ કપ વિજય, ફાઇનલમાં અૉસ્ટ્રેલિયા જેવા પ્રતિસ્પર્ધીઓને કચડી નાખતું પ્રદર્શન અને ક્રિકેટના ત્રણેય ડિપાર્ટમેન્ટમાં વિરોધીઓને ચિત કરી નાખતો દિગ્વિજય ઇતિહાસમાં નોંધાઈ ગયો છે. વ્યક્તિગત સિદ્ધિઓ અને કામગીરી સાથે એક એકમ તરીકે ટીમે જે રીતે આ ટુર્નામેન્ટમાં પ્રગતિ કરી છે, એ શક્ય બન્યું કેમ કે બીસીસીઆઇએ માળખાકીય સુવિધાઓ, ખેલાડીઓને તૈયાર કરવા માટેના તંત્ર અને લાંબા ગાળાનો વિચાર કરી ફેરફારો કર્યા છે. આજે બીસીસીઆઇ ક્રિકેટ વિશ્વમાં સૌથી ધનાઢ્ય બોર્ડ છે, તે માત્ર નાણાકીય દૃષ્ટિએ નહીં, ખેલાડીઓની સંખ્યાકીય અને ગુણવત્તાના મોરચે વિપુલતાને પણ આભારી છે.
ઝડપી
બૉલર જસપ્રીત બુમરાહ ભારતીય ક્રિકેટને મળેલી કદાચ સૌથી મૂલ્યવાન ભેટ છે. ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લીધી, પણ મહત્ત્વની મૅચોમાં નિર્ણાયક ક્ષણોમાં તેની બાલિંગને કારણે ભારતને વ્યૂહાત્મક લાભ મળ્યો. કમરની ઈજા બાદ જે રીતે તેને ટીમ મૅનેજમેન્ટ મહત્ત્વની શ્રેણીઓમાં રમાડે છે અને તે ઈજાગ્રસ્ત ન થાય એનું ધ્યાન રાખી આરામ આપે છે. આની કલ્પના આજથી દસેક વર્ષ પહેલાં થઈ શકે એમ નહોતી. કેટલાક ઝડપી બૉલરો ઈજાઓને કારણે અને બેફામ ઉપયોગને કારણે વેડફાઈ ગયા છે. આવું જ ટીમ કૉમ્બિનેશન બાબતે અને નિષ્ફળ જઈ રહેલા ખેલાડીઓને સાતત્યપૂર્વક તક આપવાના મોરચે પણ જોવા મળે છે. ફૉર્મ હંગામી હોય છે, ક્લાસ જ કાયમી હોય છે, એ પથ્થર પરની લકીર જેવું સત્ય હોવા છતાં એક-બે મૅચમાં ઊણા ઊતરનાર ખેલાડીઓને બેસાડી દેવાનો ટ્રેન્ડ હવે જોવા મળતો નથી. અૉપનર અભિષેક શર્મા અને સ્પિનર વરુણ ચક્રવર્તીના કિસ્સામાં વર્લ્ડ કપમાં જોવા મળ્યું જ છે. એ જ રીતે વર્તમાનમાં સારી કામગીરી કરનાર ખેલાડીને તેની ભૂતકાળની ભૂલોને કારણે નજરઅંદાજ કરવાની વૃત્તિ પણ બોર્ડે છોડી છે અને આથી ઈશાન કિશન ટીમમાં છે. અક્ષર પટેલ વાઇસ-કૅપ્ટન હોવા છતાં તેને ટીમમાંથી પડતો મુકાયો, પણ એ ભૂલ સમજાતાં તેને ફરી તક મળી, એ દેખાડે છે કે ટીમનું હૃદય અને મગજ યોગ્ય જગ્યાએ છે.
ભાગ્યે જ જેના ચહેરા પર સ્મિત જોવા મળે છે, એવા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના નિર્ણયોની સોશિયલ મીડિયાના યુગમાં ટીકા ઘણીવાર મર્યાદા વટાવી જતી હોવાનું જોવા મળ્યું છે, પણ ફાઇનલ મૅચ પછી ગંભીરે આ ટ્રૉફી પોતાના પૂર્વસૂરિ કોચ રાહુલ દ્રવિડ તથા બીસીસીઆઇના સેન્ટર અૉફ એક્સલન્સના વડા વીવીએસ લક્ષ્મણને સમર્પિત કરતાં કહ્યું કે ભારતીય ટીમ આજે જે સ્થિતિમાં છે, એમાં આ બંનેનું યોગદાન ખાસ્સું મોટું છે. પસંદગીકારોના ભાગે હંમેશાં ગાળો જ આવતી હોય છે, પણ ચીફ સિલેક્ટર અજિત આગરકરની તેમને સોંપવામાં આવેલી જવાબદારીને જે ઇમાનદારીથી નીભાવી છે, એની પણ ગંભીરે પ્રશંસા કરી. ટૂંકમાં, આ જીત ખેલાડીઓની તો છે જ, પણ તેમની પાછળ જે તંત્ર કે માળખું કામ કરે છે, એનો એમાં સૌથી મોટો હાથ છે.