• મંગળવાર, 10 માર્ચ, 2026

અનિવાર્ય વધારો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધનો ભાર આખરે ભારતમાં સામાન્ય નાગરિકો ઉપર પડયો છે! પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટૉક આપણા પાસે હોવાની ખાતરી આપ્યા પછી કેન્દ્ર સરકારે રાંધણ ગૅસ - લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ - એલપીજીના સિલિન્ડર દીઠ રૂા. 60ના વધારાને મંજૂરી આપ્યા પછી અૉઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન અૉઇલ કૉર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશને અમલ શરૂ કર્યો છે. ભારતમાં રાંધણ ગૅસ - એલપીજીના ગ્રાહકોની સંખ્યા 33 કરોડથી વધુ છે પણ ઉજ્જવલા યોજના હેઠળ આવતા લોકોને રૂા. 300ની રોકડ સબસિડી અપાતી હોવાથી સિલિન્ડર દીઠ રૂા. 613 ચૂકવવાના રહેશે.

રાંધણ ગૅસના ભાવ વધતાં મધ્યમ અને ગરીબ વર્ગ ઉપર ભારણ વધે છે. રેસ્ટોરાં અને હૉટેલો માટે ગૅસ મોંઘો પડશે તેથી ગ્રાહકોને `બોનસ' આપીને એમના સિલિન્ડર ખરીદવાની પ્રવૃત્તિ વધશે અને ગ્રાહકો માટે સિલિન્ડરની અછત વધે એવી શક્યતા છે પણ તેની સામે સરકારે ઍડવાન્સમાં પગલાં લીધાં છે. એસેન્સીઅસ કૉમોડિટીઝ ઍક્ટ હેઠળ વધારાની સત્તા મેળવીને તેલ રિફાઇનિંગ કંપનીઓને તાકીદ કરવામાં આવી છે કે રાંધણ ગૅસનું ઉત્પાદન વધારો અને એલપીજીનો ઉપયોગ પેટ્રોકેમિકલ પેદાશોના ઉત્પાદન માટે થઈ શકશે નહીં.

રાંધણ ગૅસના ભાવવધારા સામે સંસદમાં વિરોધ થાય અને આગામી રાજ્યોની ચૂંટણીમાં વિપક્ષોને આક્રમક મુદ્દો મળશે. મોંઘવારીનો મુદ્દો હવે વિપક્ષોની વહારે આવશે. ભાવવધારો આપણા પાડોશી દેશ-પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળમાં થયેલા વધારાથી ઓછો હોવાની દલીલ થાય છે પણ તેનાથી રાહત કે સાંત્વન મળે નહીં. વાસ્તવિકતા છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવર્તમાન ભાવ છે તે ભારતમાં લાગુ પડાય તો સિલિન્ડર દીઠ રૂા. 134 વધારવા પડે!

આપણા દેશની ત્રણે અૉઇલ માર્કેટિંગ કંપનીઓની ખોટ વર્ષે નવ મહિનામાં રૂા. 20 હજાર કરોડ હોવાનો અંદાજ છે. ગયા વર્ષે ખોટ 40 હજાર કરોડ હતી અને વર્ષાન્તે સરકારે 30 હજાર કરોડ ખાધ પૂરવા આપ્યા હતા.

એલપીજીની આપણી જરૂરિયાતના પચાસ ટકા આયાત થાય છે અને તેના ભાવ સાઉદી કૉન્ટ્રાક્ટ પ્રાઇસ સાથે સાંકળવા પડે છે અને સાઉદી કૉન્ટ્રાક્ટ પ્રાઇસ વર્ષે 466 ડૉલરથી વધીને 542 ડૉલર થઈ છે! પણ ભારત સરકારે સ્વદેશી ભાવ અંકુશમાં રાખીને રાહત આપી છે.

હવે પશ્ચિમ એશિયામાં યુદ્ધ લંબાઈ રહ્યું છે અને હોર્મુઝ ખાડીની તંગદિલી જોતાં સ્થિતિમાં રાહત થવાની આશા નથી

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ