યુદ્ધવિરામ, વાટાઘાટ અને વિધાનસભાની ચૂંટણીઓનાં મથાળાં વચ્ચે એક મહત્ત્વના સમાચાર જરાક દબાઈ ગયા. ભારતે અણુઊર્જા પ્રવાસમાં ગયા અઠવાડિયે એક મહત્ત્વનું સીમાચિહ્ન સર કર્યું. તામિલનાડુના કલ્પક્કમમાં પ્રોટોટાઈપ ફાસ્ટ બ્રીડર રિઍક્ટરે (એફબીઆર) ક્રિટિકાલિટીનો તબક્કો પાર કરી લીધો. સરળ શબ્દોમાં કહીએ તો આ અણુભઠ્ઠીમાં જેટલી ઊર્જા વપરાય છે એના કરતાં વધુનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે અર્થાત્ આ રિઍક્ટર અણુના વિભાજનની શૃંખલા જાતે ટકાવી રાખવા સક્ષમ બન્યું છે. આ રિઍક્ટર હવે જાતે જ ઊર્જાનું સર્જન કરવા લાગ્યું છે. આ સાથે ભારત રશિયા પછી આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિશ્વનો માત્ર બીજો દેશ બની ગયો છે. આ સફળતા અનેક રીતે અનેરી છે, એક તો આ રિઍક્ટરની ડિઝાઈનિંગ અને સર્જન સંપૂર્ણપણે ઘરઆંગણે થયું છે. પારંપારિક અણુ પ્લાન્ટને સક્રિય રાખવા માટે જરૂરી એવા યુરેનિયમનો જથો આપણી પાસે અલ્પ છે. પણ વિશ્વભરમાં થોરિયમના કુલ જથામાંથી ચોથા ભાગનો ભારત પાસે છે, જેનો ઉપયોગ એફબીઆરમાં અણુ ઈંધણ તરીકે થઈ શકે છે. હજી આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી, પણ હાલનો હનુમાન કૂદકો આ દિશામાં પ્રથમ પગલાં સમાન છે. ભારત પાસે થોરિયમનો જે અનામત જથો છે, તેના દ્વારા દર વર્ષે 500 ગીગાવૉટ વીજળીનું નિર્માણ થઈ શકે છે. ભારતની વીજળીની સર્વોચ્ચ માગ 2024-25માં હતી એના કરતાં બમણું એટલે 500 ગીગાવૉટ થાય, આમ આગામી 400 વર્ષ સુધી ઊર્જા મોરચે આપણે આત્મનિર્ભર અથવા એટમનિર્ભર થઈ શકીએ એવી આ સ્થિતિ છે.
ઊર્જાના મોરચે ભારત સામેનો પડકાર બેધારી તલવાર જેવો
છે. વિકાસના ચક્રોને ફરતાં રાખવા અને વધુ ગતિમાન કરવા માટે ઊર્જાનું સર્જન વધારવું
પડે એમ છે, તો બીજી તરફ આવું કરતી વખતે કાર્બન ઉત્સર્જન પણ હાથની બહાર જતું ન રહે એની
દરકાર પણ રાખવાની છે. આના માટે નવા તથા પર્યાવરણને હાનિ કરે નહીં એવા ઊર્જાસ્રોતો પર
ભાર આપવો એ સમયની તાતી જરૂર છે. આજે 47 ટકા વીજળીના સર્જન માટે આપણે કોલસા જેવા સ્રોતો
પર નિર્ભર છીએ. ન્યુક્લિયર પ્લાન્ટને કારણે પણ જોખમી કચરો નિર્માણ થાય છે, પણ તેના
દ્વારા થતું કાર્બન ઉત્સર્જન નગણ્ય હોય છે. વળી, પારંપારિક ન્યુક્લિયર પ્લાન્ટના કચરાનો
ઉપયોગ એફબીઆર ઈંધણ તરીકે કરતા હોવાથી અણુઊર્જા વધુ સ્વચ્છ ગણાય. એટમિક એનર્જી ખાતાએ
વધુ ચાર એફબીઆર ઊભા કરવાની મંજૂરી આપી છે. પાંચસો મેગાવૉટના બે રિઍક્ટર તો કલ્પક્કમ
ખાતે જ ઊભા થશે. 2047 સુધી દેશમાં થોરિયમનો ઉપયોગ થઈ શકે એવી અણુભઠ્ઠીઓની સંખ્યા તબક્કાવાર
વધારવાની યોજના છે. ક્રિટિકાલિટીનો તબક્કો શરૂઆત છે, શક્યતાઓ અપાર છે. અલબત્ત, જોખમોનું
ધ્યાન રાખી ક્રમશ: આગળ વધતા રહી ભારત ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર થઈ શકશે, એમાં કોઈ
શંકા નથી.