• સોમવાર, 13 એપ્રિલ, 2026

ઈરાન-અમેરિકા વાટાઘાટ નિષ્ફળ

અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં યોજાયેલી શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં અખાતની લડાઈ ફરી ઉગ્ર બનવાની દહેશત સેવાઈ રહી છે. ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ છોડી ગયા છે. ઈરાની પ્રતિનિધિમંડળે કહ્યું છે કે, અમેરિકા માત્ર પોતાનો અધિકાર અને શરતો થોપવા માગતું હતું. વળી, યુદ્ધની ભીષણ સ્થિતિ હોય ત્યારે એક જ બેઠકમાં સમાધાનની આશા રાખી શકાય નહીં. ઈરાન પોતાની વાત પર મક્કમ હોવા છતાં એના શબ્દોમાં આવનારી ભીષણ સ્થિતિની ચિંતા વર્તી શકાય છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે મંત્રણા વિફળ રહ્યાનું સ્વીકારતાં કહ્યું કે, બંને દેશ વચ્ચે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ એ સાચું છે, પણ ઈરાનને ફાઈનલ અને બેસ્ટ ઓફર આપી દેવામાં આવી છે જે માનવી કે ન માનવી એનો તેમના ઉપર મદાર છે. ઈરાને તેને ફાલતુ માગ લેખાવી છે. વેન્સે એમ પણ કહ્યું કે, સમાધાન ન થવું એ અમેરિકા કરતાં ઈરાન માટે વધુ ગોઝારા સમાચાર છે.

પાકિસ્તાને શાંતિ મંત્રણા યોજવાના પ્રયત્ન આદર્યા ત્યારથી જ વાટાઘાટ વિફળ રહેવાની આશંકા હતી જ. ઈરાને વાતચીત પહેલાં સ્પષ્ટ કહ્યું હતું કે, તેના પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝ ખાડી પર નિયંત્રણના મામલે બાંધછોડ નહીં કરે. ઇઝરાયલે વાટાઘાટનું સમર્થન કર્યા વિના લેબેનોન પર ભીષણ હુમલા ચાલુ રાખીને ઈરાનમાં બેચેની જગાવી રાખી હતી. અમેરિકા-ઇઝરાયલ યુદ્ધમાં એક હોવા છતાં યુદ્ધવિરામ અને શાંતિ મંત્રણામાં બંને દેશોનું વલણ સ્પષ્ટ રીતે જુદું પડે છે. 

યુદ્ધ ઉન્માદી દેશોને વિનાશ અને જાનમાલની અપાર નુકસાનની પરવા નથી હોતી. યુદ્ધે દુનિયાની હાલત બગાડી નાખી છે. પખવાડિયાનો યુદ્ધવિરામ ટકે એમ જણાતું નથી. 

અમેરિકાનો સ્પષ્ટ આગ્રહ છે કે, ઈરાન તેનો પરમાણુ કાર્યક્રમ પડતો મૂકે અને હોર્મુઝ ખાડી વિના શરતે ખુલ્લી મૂકે.  ઈરાનના પરમાણુ કાર્યક્રમ થકી ઇઝરાયલ આક્રમણ કરવા પ્રેરાયું છે અને અમેરિકાએ પણ તેમાં ઝુકાવી દેતાં બે મહિનાથી વિશ્વને ભયંકર વિનાશ જોવા મળ્યો છે. ભારત સહિત દુનિયા આખી યુદ્ધની આડઅસરથી પરેશાન છે. પેટ્રોલિયમ પેદાશો-ગૅસના ભાવ આકાશને આંબવા લાગ્યા છે. સામાન્ય મોંઘવારી ભડકી ઊઠી છે. અનેક સેક્ટરમાં આયાત-નિકાસ ખોરવાતાં અને કાચો માલ અટકી પડતાં ફૅક્ટરીઓ બંધ પડી છે. રોજગારીનો વિકરાળ પ્રશ્ન બેકાબૂ બન્યો છે.

હવે શું? એ પ્રશ્ન ડરામણો છે. પાકિસ્તાન ઘરઆંગણે મધ્યસ્થીની ભૂમિકામાં રહ્યા પછી પોરસાઇ રહ્યું છે, પણ હકીકત એ છે કે, અશાંતિ અને આતંકના જન્મદાતા દેશમાં કોઈ સારું કામ થવું શક્ય જ નથી. મધ્ય-પૂર્વને ફરી વિનાશની આગમાં ધકેલાતું રોકવા માટે શાંતિ મંત્રણાની નવી તક ઊભી થવી જોઈએ. ભારતની ભૂમિકા માટે વ્યાપક અપેક્ષા અને અવકાશ હોય એ સ્વાભાવિક છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ